રાજકારણીઓથી લઈને અધિકારીઓને રજૂઆત છતાં બધાનું એક જ રટણ, આવી જશે !
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકમાં ભાદરવો જતા જતા જમાવટ કરી જતા મોટાભાગના પાકો નિષ્ફળતાના આરે છે તેમાં પણ વધુ એક ઉમેરો થતો હોય તેમ વીજ વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં વેગડવાવની સીમમાં આવેલી આશરે 30 ખેડૂતોની આશરે 1000 વિઘા જમીનમાં 11 દિવસથી વીજળીના ફાંફા છે જ્યારે આ બાબતે ખેડૂતો દ્વારા કસ્ટમર કેરથી લઈને રાજકારણીઓ અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તમામનો એક જ સૂર હોય છે કે, આવી જશે પરંતુ ખેડૂતોને ક્યારે વીજળી મળશે !
- Advertisement -
વેગડવાવ ગામના ખેડૂત જગદીશભાઇ માનુભાઇ સુરેલાએ જણાવ્યું હતું કે, માલણીયાદના ઘનશ્યામગઢ ફીડરમાં છેલ્લે 8 સપ્ટેમ્બરના વરસાદ થયો ત્યારથી આજદીન સુધી એટલે કે 11 દિવસોથી લાઈટ જ આવી નથી જેના પગલે મહામુલો પાક સુકાઇ રહ્યો છે તો બીજી તરફ આ વિસ્તારમાં 30 ખેડૂતોની આશરે એક હજારથી વધારે વીઘા જમીનમાં હાલ વીજળીના ફાંફા છે અને જે માટે અવાર નવાર કસ્મર કેર, રાજકારણીઓ અને અધિકારીઓને રજૂઆતો કરવા છતાં ધ્યાનમાં નહીં લેતા આખરે પાક નિષ્ફળ જવાના આરે છે.
એક તરફ ભાદરવો વરસતા પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે અને તેમાં પણ રહી સહી કસર વીજળી વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે જેથી કરીને ખેડૂતોના મોમા આવેલો કોળીયો છીનવાય ન જાય તે માટે વિજળી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.