સૌરાષ્ટ્રના મુસાફરોનો ખર્ચ ઘટશે અને ટ્રાવેલિંગનો સમય બચશે
ખાસ-ખબર સંવાદદાતા
રેલવે દ્વારા મુસાફરી કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરથી ઓખા સુધીનું ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને ટૂંક સમયમાં જ ઈલેક્ટ્રિક રેલવે એન્જિન સાથેની ટ્રેનો અમદાવાદથી રાજકોટ અને ઓખા સુધી દોડશે. ઈલેક્ટ્રીક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદુષણ બંધ થતા પર્યાવરણને લાભ મળશે અને સ્પીડ વધવાથી મુસાફરીનો સમય ઘટતા વધુ ટ્રેનો મળવાથી મુસાફરોને પણ રાહત મળશે. આ સાથે જ રેલવેને પણ ડીઝલ એન્જિન કરતા ત્રીજા ભાગનો ખર્ચ થતા ખર્ચમાં મોટો ઘટાડો નોંધાશે.
- Advertisement -
સમગ્ર મામલે રાજકોટ ડીઆરએમ અનિલકુમાર જૈને જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-રાજકોટ અને રાજકોટથી ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર દ્વારા ઇન્સ્પેકશન પણ કરી લેવામાં આવ્યું છે તેમજ ઓથોરાઈઝેશન પણ મળી ચૂક્યું છે. જો કે, ઓથોરાઈઝેશન કેટલીક શરતોને આધીન અપાયું છે. જે અંગેની પ્રક્રિયા પુરી થતા અંદાજે એકાદ મહિનામાં ઇલે. ટ્રેનો દોડતી થવાની શક્યતા છે, જેનો સૌથી મોટો લાભ પર્યાવરણને મળશે કારણ કે, ડીઝલ ઉપર ચાલતી ટ્રેન દ્વારા કાર્બનનું ઉત્સર્જન થાય છે, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે. જો કે, ઇલેક્ટ્રિક ટ્રેનમાં આવું થશે નહીં.
વધુમાં તેમણે જણાવ્યું કે, ઇલેક્ટ્રિક ટ્રેનમાં જે એનર્જી આવે તે ઉપર લાગેલા વાયરો દ્વારા આવતી હોય છે. આ એનર્જી સીધી દરેક કોચમાં પહોંચતી હોવાથી લાઈટો, પંખા અને એરકંડીશનરની ગુણવત્તા વધુ સારી થતા આ અંગેની ફરિયાદો ઘટશે. ત્રીજો અને મહત્વનો ફાયદો એ થશે કે, ટ્રેનની સ્પીડમાં વધારો થતાં ટ્રાવેલિંગ સમયમાં પણ ઘટાડો થશે. અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળશે. અમદાવાદથી ઓખા સુધીની સફરમાં અડધાથી એક કલાકનો સમય બચવા છતાં તેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાશે નહીં.
ડબલ ટ્રેક અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ડબલિંગનાં કારણે હવે બે ટ્રેનો અલગ-અલગ ટ્રેક પર ચાલશે. જેને લઈને અકસ્માતોની સંભાવના ઘટવાની સાથે ક્રોસિંગમાં થતો સમયનો વ્યય અટકશે. અત્યાર સુધી એક ટ્રેનને અટકાવીને બીજી ટ્રેનને ક્રોસિંગ આપવામાં આવતું હતું પરંતુ, ચારેક મહિના પૂર્વે ડબલિંગ શરૂ થયા બાદ હવે તેની જરૂરિયાત રહી નથી. અગાઉ 93% ટ્રેનો સમયસર રહેતી હતી. જેને બદલે હવે આ રૂટની 99% ટ્રેનો સમયસર ચાલવા લાગી છે તેમજ સમયની બચત થતા આગામી સમયમાં વધુ ટ્રેનો મળવાની શક્યતા વધી છે.