એકતરફી પરિણામ માટે વર્તમાન હોદ્દેદારોના કાવાદાવા શરૂ
ચૂંટણી લડવા ઇચ્છુક રિટેલરને સભ્ય બનાવવામાં ઠાગાઠૈયા : સભ્યપદ માટે બહાના બતાવવામાં આવશે તો કાનૂનીરાહે ચૂંટણી પ્રક્રિયાને પડકારવામાં આવશે.
દર ત્રણ વર્ષે યોજાતી રાજકોટ કેમિસ્ટ એસો.ની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. જો કે નિષ્પક્ષ ચૂંટણી યોજાવવા બાબતે અત્યારથી જ સભ્યોમાં શંકા-કુશંકા સેવાઇ રહી છે. કેમકે વર્તમાનમાં ચૂંટણી લડવા ઇચ્છુક અમુક રિટેલરોને એસો.ના સભ્યપદ માટે વર્તમાન બોડીના અમુક મેમ્બરો ટટળાવે છે. કોઈ વ્યાજબી કારણો વગર સભ્યપદ આપવા ઇનકાર કરાઈ રહ્યો છે.
- Advertisement -
મૂળત: વર્તમાન બોડી ચૂંટણી થાય એવું ઇચ્છી રહી નથી. કેમ કે ગત વર્ષો દરમ્યાન અને ખાસ કરીને કોરોનાકાળ દરમ્યાન રિટેલરો અને અમુક હોલસેલરોને કોરોના નિયંત્રક દવાઓ, ઇન્જેક્શનો, અમુક ઈકવિપમેન્ટ્સના વિતરણમાં અન્યાય થયો હોવાની વ્યથા આ ચૂંટણીના પરિણામો પર નિર્ણાયક અસર કરે એમ છે. આથી વર્તમાન બોડી બિનહરીફ ચૂંટણી કરાવવાની ફિરાકમાં હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
કેમિસ્ટ એસો.ની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી કમિશ્નર અને આસી. ચૂંટણી કમિશ્નરના નામની જાહેરાત પણ થઈ ગઈ છે. જેમની જવાબદારી નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની હોય છે ત્યારે હાલ રિટેલરોને ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે સભ્ય બનવું જરૂરી હોય અને વર્તમાન બોડી આવા ચૂંટણી લડવા ઇચ્છુક મેડિકલ સ્ટોર સંચાલકોને સભ્ય બનાવવામાં આનાકાની કરી રહ્યું હોય ટૂંક સમયમાં જ આવા રિટેલરોએ ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જો આમ છતાં સભ્યપદ માટે બહાના બતાવવામાં આવશે તો કાનૂનીરાહે ચૂંટણી પ્રક્રિયાને પડકારવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ફોર્મ-ફી ભર્યા બાદ પણ સભ્યપદ માટે એસોસિએશનનો નનૈયો
એક રિટેલરે એસો.ના સભ્યપદ માટે 21 ડિસેમ્બરે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની હાજરીમાં મોટીટાંકી ચોક ખાતે ફી જમા કરાવવા સહિતની નિયત પ્રક્રિયા પુરી કરી હોવા છતાં ખજાનચીને કોઈ સ્થાપિત હિત ધરાવતા હોદ્દેદારનો ફોન આવી જતાં સભ્યપદ અપાયું ન હતું. આમ વિજેતા બની શકે એવા રિટેલરોને સભ્ય ન બનાવીને અત્યારથી જ એકતરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું રિટેલર-હોલસેલર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે.


