સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમકક્ષનું સ્ટેટસ પાછું ખેંચાશે: સંસદના ખાસ સત્રમાં ખરડો: પંચ પણ ‘બાબુ’ શાહી હેઠળ
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મુખ્ય ચુંટણી કમીશ્નર સહિતના ચુંટણી કમિશ્નરની નિયુક્તી પેનલમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાની બાદબાકી કર્યા બાદ હવે મોદી સરકારે ચુંટણી કમિશ્નરનું સ્ટેટસ પણ ડાઉનગ્રેડ કરીને તેને કેબીનેટ સેક્રેટરીના સ્તરે પુરી દીધા છે. અગાઉ ચુંટણી કમિશ્નરે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના સમકક્ષનો હોદો સુવિધા અને પ્રીવિલેજ મળતા હતા. સંસદના ખાસ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર આ અંગે એક ખરડો લાવી રહી છે. જયાં મુખ્ય ચુંટણી કમિશ્નર તથા અન્ય બે ચુંટણી કમિશ્નરની નિયુક્તિ માટે જે અગાઉ વડાપ્રધાન- વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની પેનલ પસંદ કરતી હતી તેમાં નવા પ્રસ્તાવમાં હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બાદબાકી થઈ છે અને ચુંટણી કમિશ્નરનું સ્ટેટસ પણ ઘટાડી દેવાયુ છે. તે હવે કેબીનેટ સેક્રેટરી રેન્કના ગણાશે એટલે કે તેના કરતા કેન્દ્ર સરકારના રાજયમંત્રીનો દરજજો ઉંચો હશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને નિવૃતિ પછી તેને પેન્શન ભથ્થા- ડ્રાઈવર સહિતની કાર તથા ડોમેસ્ટીક સરવન્ટ વિ. સુવિધા મળે છે. તેમાં પણ ઘટાડો થશે. ધી ઈલેકશન કમીશન (કમીશન્ડ ઓફ સર્વિસ ઓફ ઈલેકશન કમિશ્નર એન્ડ ટ્રાન્ઝેકશન ઓફ બીઝનેસ) એકટ 1991માં સુધારા થશે. રાજયસભાએ આ ખરડો અગાઉ મંજુર કરી દીધો હતો. અત્યાર સુધી ચુંટણી કમિશ્નર સરકારી અધિકારી કે વિભાગને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની જેમ રૂબરૂ બોલાવી ને આદેશ આપી શકતા હતા અને તે ઓથોરીટી ગણાતા હતા તે ખાસ અધિકાર છીનવાઈ જશે.