મતદારોને રીઝવવા રાજકીય પક્ષો લગાવશે એડીચોટીનું જોર
મોદી, રાહુલ અને કેજરીવાલ સહિતનાં ટોચનાં નેતાઓના પ્રવાસ શરૂ : ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આરપારની લડાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ જામ્યો છે. એક તરફ ભાજપ માટે ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓ ગઢ બચાવવા કવાયત કરશે તો બીજી તરફ બે દાયકાથી ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ આ વખતે સત્તાને સ્વાદ ચાખવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓની આગેવાનીમાં ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરીને એડીચોટીનું જોર લગાવવા તૈયાર છે. ત્રીજી તરફ અરવિંદ કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટી પણ દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત કબ્જે કરવા ચૂંટણી જંગમાં ઉતરી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય નેતાઓએ ચૂંટણી સુધી ગુજરાતમાં ધામા નાંખીને મતદારોને રિઝવવવાનો રોડ મેપ તૈયાર કરી લીધો છે. આજથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ રંગ પકડવાનો શરૂ કર્યો છે.
કોંગ્રેસ પક્ષ તેનું વજુદ બચાવી રાખવા માટે તેમજ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તરીકે યથાવત રહેવા માટે પણ જબરી બાજી લગાવી રહ્યું છે. આજે ભાજપના 29થી વધુ નેતાઓ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર પ્રચારનો પ્રારંભ કરશે જેમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ યોગી આદીત્યનાથ ઉપરાંત શિવરાજ ચૌહાણને પણ મેદાનમાં ઉતાર્યા છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા કચ્છ જિલ્લામાં આજે પ્રચાર કરશે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાવનગર તેમજ સુરત, ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ગીર સોમનાથ તાલાલા બેઠકોમાં પ્રચાર કરશે. બાદમાં આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
- Advertisement -
કોંગ્રેસ પક્ષનો પ્રચાર પણ આગામી સપ્તાહથી રંગ દેખાડશે. પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તા. 21ના રોજ અને પ્રિયંકા ગાંધી તા. 25ના સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનો પણ પ્રચાર કાર્યક્રમ નક્કી થઇ રહ્યો છે.
જ્યારે આમ આદમી પાર્ટી તરફથી આગામી દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ નિશ્ચિત થશે પરંતુ પંજાબ અને દિલ્હીમાંથી આપના હજારો કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ‘આપ’ માટે મહત્વની ગણાતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે પ્રચારમાં ઉતરી ગયા છે.