ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે (26 એપ્રિલ)ના રોજ 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો પર મતદાન થશે. આ મતદાન રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમા માલિની, અરૂણ ગોવિલ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી કરશે.
- Advertisement -
પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારનાં મૃત્યુ બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી થશે. 2019માં ભાજપે સૌથી વધુ 50 સીટો જીતી હતી અને એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,097 પુરૂષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે.(એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ 1,192 ઉમેદવારોના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાંથી 21% એટલે કે 250 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 500 થી 1000 રૂપિયાની સંપત્તિ છે.