મકાનના પ્લોટ બાબતના જૂના મનદુ:ખના ઝઘડાનો લોહિયાળ અંત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં લાઈટ બાબતે વાત કરતી વખતે અગાઉના મકાનના પ્લોટના ભાગ મામલે મોટા ભાઈએ છુટા લોખંડના ફરમા અને ઈંટોના ઘા ઝીકીને તેમજ લાકડાના ઘા મારીને નાના ભાઈની હત્યા કરી નાખી હતી.
આ બનાવ મામલે મૃતકના પુત્રએ હત્યાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર મેઈન શેરીમાં રહેતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી અને અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી બંને સગા ભાઈ થતા હોય અને બંને ભાઈઓ વચ્ચે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુ:ખ ચાલતું હોય ત્યારે લાઈટનું મીટર મોટા ભાઈ અમરશીભાઈના ઘરમાં હોય નાના ભાઈ પ્રેમજીભાઈ ગત તા. 14 ના રોજ અમરશીભાઈના ઘરે ફળિયામાં લાઈટ બાબતે વાત કરવા ગયા હતા ત્યારે જુના મનદુ:ખનો ખાર રાખીને અમરશીભાઈએ ગાળો બોલી ઉશ્કેરાય જઈને છુટા ઈંટોના અને લોખંડના ફરમાના ઘા તેમજ લાકડાના ઘા નાના ભાઈ પ્રેમજીભાઈના માથામાં અને શરીરે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી ગંભીર હાલતમાં પ્રેમજીભાઈને સારવાર અર્થે પ્રથમ મોરબી અને રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તા. 17 ના રોજ મોડી રાત્રે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમજીભાઈ સોલંકીનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો.
આ બનાવ અંગે મૃતકના પુત્રની ફરીયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી મોટાભાઈ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.