ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારીને કાબુમાં લેવા માટે આરબીઆઇએ છેલ્લા એક વર્ષથી અનેક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. જેના કારણે લોકોના લોનના હપ્તાની રકમ વધી ગઇ છે.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે નીતિગત વ્યાજ દરોમાં સમજી વિચારીને કરવામાં આવેલ વધારા અને સરકારી સ્તરે પુરવઠા વ્યવસ્થા સારી બનાવવાને કારણે રીટેલ ફુગાવો ઘટયો છે અને તેને વધુ ઘટાડી ચાર ટકા સુધી લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
દાસે વધુમાં જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતાઓ અને અલ નીનોની આશંકાને કારણે પડકાર હજુ પણ યથાવત છે. તેમણે જણાવ્યું હતું કે વ્યાજ દર અને મોંઘવારી સાથેસાથે ચાલે છે. તેથી જો મોંઘવારી ઘટે છે તો વ્યાજ દરમાં પણ ઘટાડો જોવા મળે છે.
- Advertisement -
દાસે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધને કારણે ગયા વર્ષે ફેબુ્રઆરી માર્ચ પછી મોંઘવારી ખૂબ જ વધી ગઇ હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય વસ્તુઓ અને કોમોડિટી સહિત અનેક વસ્તુઓના ભાવ વધ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં રીટેલ ફુગાવો ઘટીને 4.25 ટકા રહ્યો હતો જે છેલ્લા 25 મહિનાની નીચલી સપાટી હતી. ગયા વર્ષે એપ્રિલમાં રીટેલ ફુગાવો 7.8 ટકા સુધી પહોંચી ગયો હતો.



