ગોંડલ તાલુકા પોલીસે જૂનાગઢ જેલમાંથી રાત્રે જ કબ્જો લઇ બપોરે કોર્ટમાં રજૂ કર્યા
જૂનાગઢના રહીમ મકરાણીની ભૂમિકા, ક્યાં-ક્યાં આશરો લીધો તે સહિતના મુદ્દે તપાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
ગોંડલનાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં હાઇકોર્ટ દ્વારા સજામાફી રદ કરી આજીવન કેદનો હુકમ બરકરાર રાખતા છેલ્લા પાંચ મહીનાથી વોન્ટેડ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઇકાલે બપોરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા તાલુકા પોલીસે તેનો કબ્જો લઇ જુનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી અમીત ખુંટ આપઘાત કેસમાં તેની ધરપકડ કરી હતી ગત રાત્રે ગોંડલ તાલુકા પોલીસે લઇ આવ્યા બાદ આજે બપોરે રિમાન્ડ મેળવવા અનિરૂૂધ્ધસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ગોંડલના સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં ધ્વજવંદન વેળાએ તત્કાલીન ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાની ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં રીબડાના અનિરૂૂધ્ધસિંહ જાડેજાની ધરપકડ કરી આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો 18 વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ તત્કાલીન જેલવડા બિષ્ટએ 2018માં સજામાફી આપી હતી જેની સામે પીડિત પરિવાર ફરી કોર્ટમાં ગયો હતો અને સજામાફીનો હુકમ પહેલા હાઇકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે પણ રદ કર્યો હતો અને 18 સપ્ટેમ્બરના રોજ સરેન્ડર કરવા આદેશ કર્યો હતો જોકે, સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો અને ગઇકાલે સાંજ સુધીમાં સરેન્ડર કરવા હુકમ કરતા અનિરુદ્ધસિંહ ગોંડલ કોર્ટમાં હાજર થયા હતા કોર્ટ કાર્યવાહી બાદ અનિરુદ્ધસિંહને બંદોબસ્ત હેઠળ જુનાગઢ જેલ લઇ જવાયા હતા ત્યાં એન્ટ્રી સહિતની પ્રાથમિક કાર્યવાહી બાદ તાલુકા પોલીસ મથકના પીઆઇ એ ડી પરમાર, પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતે અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં તેમની ધરપકડ કરી રાત્રે જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઇ આવી પુછપરછ કરી હતી ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહની ભુમીકા,રહીમ મકરાણી તેમજ આટલા દિવસો ક્યાં ક્યાં આશરો લીધો તે સહિતનાં મુદ્દે રીમાંન્ડ મેળવવા બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.



