ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા જ રાજયમાં વીજ પુરવઠાની માંગ મંગળવારે વિક્રમજનક 21 હજાર મેગાવોટ ઉપર પહોંચી ગઇ હતી. જેને રાજયના ઉર્જા વિભાગ દ્વારા સરકારી અને ખાનગી વીજ મથકોના વીજ પુરવઠા થકી સંતોષવામાં આવી હતી.
ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે વીજ પુરવઠાની માંગણીમાં વધારો થવાના કારણે તેમજ કૃષિ ક્ષેત્રે અને ઉનાળાના કારણે રહેણાંકમાં પણ વીજ સાધનનો વપરાશ વધતા રાજયમાં અત્યાર સુધીના મહતમ કહી શકાય તેટલો 21 હજાર મેગાવોટના વીજ પુરવઠાની માંગણી થઇ હતી.
- Advertisement -
જેમાં કોલસા થકી ચાલતા વીજ મથકોના 4500 મેગાવોટના ઉત્પાદન, સોલાર રૂકટોપના 1500થી 1700 મેગાવોટ અને વિન્ડ-સોલાર વગેરે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતના 1500 મેગાવોટ સહિત અન્ય તેમજ સ્ત્રોત ઉપરાંત ખાનગી વીજ મથકોના પુરવઠાનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય સંજોગોમાં અત્યાર સુધી 16 હજારથી 17 હજાર મેગાવોટ જેટલી વીજ માંગ રહેતી હોય છે તેમાં ભારે ઉછાળો આવ્યો તેનું મુખ્ય કારણ ઔદ્યોગિક પ્રવૃતિઓમાં વધારો થવાનું પણ છે. કૃષિ ક્ષેત્રમાં પણ વીજ પુરવઠો માંગણી મુજબ અપાઇ રહ્યો છે. આગામી દિવસોમાં વીજ પુરવઠાની માંગ હજુ 21,500 મેગાવોટથી લઇ 22,000 મેગાવોટ સુધી પહોંચવાની સંભાવના પણ તેમણે વ્યકત કરી હતી.