ગુજરાતમાં GST ચોરીના કૌભાંડ મામલે ઇડીની તપાસ
ઝાંઝરડાની બી.જે.ઓડેદરા અને આર.એમ.દાસા ઇન્ફ્રાસ્ટ્રકચર પેઢીમાં તપાસનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ શહેરના બે બિલ્ડરો ઇડીના ઝપટમાં આવી ગયા છે. જેમાં ઝાંઝરડા રોડ પરઆવેલી બી.જે.ઓડેદરા અને આર.એમ.દાસા ઇન્ફ્રાસ્ટ્રકચર નામની પેઢીઓમાં ઇડીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને જૂનાગઢ પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બંને પેઢીઓ ક્ધસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલી છે બંને પેઢીઓએ બાંધકામના વ્યવસાયમાં જ કર ચોરી કરી છે. બી.જે.ઓડેદરા કંપનીના પ્રોપરાઇટર ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઇ ઓડેદરા અને એભાભાઇ ઓડેદરા નામની વ્યક્તિઓ આ પેઢી સાથે સંકળાયેલી હોવાનું બહાર આવ્યુ છે. જયારે આર.એમ.દાસા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.માં નાથાભાઇ મેરૂભાઇ દાસા, રણમલાભાઇ મેરૂભાઇ દાસા હોવાનું જાણવા મળ્યુ છે.
ગુરૂવારે કલાકો સુધી બંને પેઢીઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન કેટલી કરચોરી બહાર આવી એની વિગતો હજુ સુધી ઇડીએ પ્રસિદ્ધ કરી નથી. જૂનાગઢમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જયારે રાજયમાં બોગસ કંપની બનાવીને જીએસટીની ચોરી થતી હોવાનું કૌભાંડ સામે આવ્યા બાદ ઇડી આ તપાસમાં સામેલ થઇ છે રાજયમાં 14 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે બોગસ કંપની થકી જીએસટી ચોરીનું મસ મોટુ કૌભાંડ સમગ્ર રાજ્યમાં ચાલતુ હોય તેવી હકિકતના આધારે ઇડી દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ થઇ રહી છે. ત્યારે આગામી સમયમાં હજુ અનેક લોકો ઝપ્ટે ચડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અને મસમોટુ કૌંભાડ બહાર આવે તેવું જોવાઇ રહ્યું છે.