વિસાવદરના બરડીયા ખાતે ઇકોઝોનના વિરોધમાં મહાસંમેલન
ગિરના પ્રશ્ર્નો માટે સાંસદ-ચૂંટાયેલા જનપ્રતિનિધિ ક્યારે રાજીનામા આપશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદરના બરડીયા ખાતે ઇકોઝોનની વિરુદ્ધના મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં ઇકોઝોન માટે છેલ્લા 8 વર્ષથી લડત લડનાર આપના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, હીરાભાઈ જોટવા, આપ પ્રદેશ પ્રવક્તા કરશનબાપુ ભાદરકા, આપ જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા, પરેશભાઈ ગોસ્વામી, હરેશભાઈ સાવલિયા, કરશનભાઈ, હિતેશ વઘાસિયા,ભાવેશભાઈ તેમજ ભાજપના શાસનમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય ભૂસાભાઇ તેમજ વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, નર્મદાના ઇકોઝોન વિરુદ્ધ સ્થાનિક લોકોએ અને પક્ષ વિપક્ષના તમામ લોકોએ મજબૂત આંદોલન કર્યું, કોર્ટના રસ્તે પણ લડાઈ લડી અને અંતે 2021માં નર્મદામાં લાગુ પડેલો ઇકોઝોન સ્થગિત થયો. સાથે સાથે જૂનો જીઆર પણ રદ કરવામાં આવ્યો. પણ અહીંયા ગીર પંથકમાં તો જ્યાં સુધી કાયદો લાગુ ન પડે ત્યાં સુધી જૂનું જીઆર લાગુ કરવામાં આવ્યો છે. નર્મદામાં ઈકોઝોન એટલા માટે રદ થયો કારણ કે ત્યાં ભાજપના ચૂંટાયેલા સાંસદોએ, બીજા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ જાહેરમાં રાજીનામાં ધરી દીધા હતા ત્યારે ભાજપ સરકારે નર્મદાનો ઈકોઝોન રદ કર્યો હતો.
પ્રવીણ રામે જાહેરમાં કહ્યું કે, જો ભાજપના સાંસદ સભ્ય, ધારાસભ્ય અને ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિ લોકો માટે રાજીનામા આપી દે, તો બીજા જ દિવસે હું મારા પક્ષને પૂછ્યા વિના લોકો માટે મારા પક્ષમાંથી લડત સુધી રાજીનામું આપી દઈશ. હું ભાજપના ધારાસભ્યો સાંસદોને કહેવા માંગુ છું કે આવો સાથે મળીને જનતા માટે લડાઈ લડીએ. માત્ર વાતો કરવાથી કંઈ નથી થવાનું, માટે ભાજપના લોકોને કહીશ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ લડાઈમાં જનતા માટે મેદાને ઉતરી છે તો ભાજપના નેતાઓ પણ હવે ખાલી વાતો કર્યા સિવાય જનતા માટે મેદાને ઉતરે તેવો હુંકાર કર્યો હતો