જામનગર હાઈવે પર મોટો અકસ્માત: ઇકો અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર
2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત: મસિતિયા ગામમાં શોકનો માહોલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં ગતરાત્રે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં એક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. તો બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિયલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના મસિતિયા ગામના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં પરત આવતા હતા ત્યારે જામનગર-કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકો અકસ્માત અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું અને એમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. મધરાતે થયેલા ગોઝારા અકસ્માતમાં સૈયદ પરિવારના 3 લોકોનાં મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસિતિયા ગામના અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.