કાચા અને પાકા ઘરોમાં પોપડાં સાથે તિરાડો, સામાન્ય નુકસાની
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ભૂકંપનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે જૂનાગઢ અને તાલાલા ગીર સહિતના વિસ્તારોમાં ભૂકંપના સતત આંચકા અનુભવાતા ગ્રામ્ય પંથકમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. કુદરતી આફતના ભયથી ફફડી ઉઠેલા લોકો કકડતી ઠંડીમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા અને જૂના ઘરોમાં દીવાલો પર તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે. કેટલાક મકાનોમાં છતના પોપડા પણ ખર્યા હતા. સદનસીબે, હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતોમાં સામાન્ય નુકસાન થવાથી લોકોમાં ચિંતા વધી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ઈંજછ)ના જણાવ્યા મુજબ, ગીર પંથકમાં અવારનવાર થતા પ્લેટના હલનચલનને કારણે આ ’ફોલ્ટ લાઈન’ પર આંચકા અનુભવાય છે. આજે સવારે નોંધાયેલા આંચકાઓમાં સૌથી વધુ તીવ્રતા 3.0 થી 3.8 ની વચ્ચે હોવાનું પ્રાથમિક તારણ છે.



