વીસ દિવસ પહેલાં ઋષિકેશ ખાતે ભાગવત કથા સાંભળતો હતો, ત્યારે કપિલમુનિના સાંખ્ય દર્શન વિશે ઉલ્લેખ થયો. મને સાંખ્યમાં રસ પડ્યો એટલે વિશેષ જાણવાનો યત્ન કર્યો. ઇ. પૂ. 700 વર્ષ પહેલાં થઇ ગયેલા કર્દમ ઋષિ અને દેવહૂતિના પુત્ર કપિલમુનિ જગતના મોટાં મોટાં ભૌતિકશાસ્ત્રીએને પાછળ રાખી દે એવું કામ કરી ગયા છે. તેમણે પ્રથમવાર જાહેર કર્યું કે કોઇ પણ પદાર્થ ન હોય તો તેને ઉત્પન્ન કરી શકાતો નથી. શૂન્યમાંથી સર્જન થઇ શકતું નથી. જો કશુંક એક હોય તો એમાંથી કશુંક બીજું બની શકે છે, પરંતુ જો શૂન્ય હોય તો તેમાંથી કશુંક એક બની શકતું નથી. આપણને જે વ્યક્ત દેખાય છે, તે પણ અવ્યક્તમાંથી બન્યું છે જેમ કે, બીજમાં અવ્યક્ત રહેલું વૃક્ષ કાળક્રમે વ્યક્ત બને છે.
એ પ્રમાણે વિચારીએ તો આ પૃથ્વીનું સર્જન પણ અવ્યક્તમાંથી વ્યક્ત રૂપે થયું છે. પૃથ્વી પહેલાં પણ હતી, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે. પહેલાં કદાચ તે આગના ગોળા સ્વરૂપે અથવા જળ-વાયુના જથ્થા સ્વરૂપે હતી. હાલમાં નક્કર પદાર્થ રૂપે છે, ભવિષ્યમાં પ્રલય પછી એ બીજા કોઇ સ્વરૂપમાં હશે. આજથી 235 વર્ષ પહેલાં પશ્ચિમના વૈજ્ઞાનિક એન્ટોની લેવિઝિયરે દ્રવ્ય સંચયનો સિદ્ધાંત રજૂ કર્યો. એણે જાહેર કર્યું કે દ્રવ્યનો કુલ જથ્થો અચલ રહે છે, જે ફેરફાર થાય છે તે માત્ર તેના સ્વરૂપમાં હોય છે. નથિંગ ઇઝ પ્રોડ્યૂસ્ડ ફ્રોમ નથિંગ; સમથિંગ ઇઝ પ્રોડ્યૂસ્ડ ફ્રોમ સમથિંગ. છે ને કપિલમુનિના સાંખ્ય દર્શનની સીધી નકલ! પશ્ચિમનો વૈજ્ઞાનિક તો આટલું કહીને અટકી ગયો, પણ ત્રણ હજાર વર્ષ પૂર્વે થઇ ગયેલા કપિલમુનિના સાંખ્ય દર્શનમાં તો આનાથી પણ ગહન વાતો રહેલી છે. ક્યારેક સમય મળે તો અવશ્ય વાંચજો. આપણા ઋષિ-મુનિઓ કેવા જીનિયસ હતા તેની પ્રતીતિ થશે.