પૌરાણિક મંદિર નજીક સફેદ માટીના ખનનથી ખનિજ માફિયા સામે લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ સંપદાની ચોરી કરતા ખનિજ માફીયાઓ પર્યાવરણ અને પૌરાણિક મંદિરોને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે જેમાં આગાઉ હજજારો વર્ષ જૂનું અને પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ આવતા સૂરજ દેવળ મંદિર નજીક કેટલાક ખનિજ માફીયાઓ કોલસાનું ખનન કરતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ હવે મૂળી ખાતે પણ સફેદ માટીનું ખનન કરતા ખનિજ માફીયાઓ ધાર્મિક લાગણી દુભાવી મંદિરોને ખંડિત કરતા હોવાનું નજરે પડે છે. મુળી તાલુકાના સડલા ગામે આવેલ પૌરાણિક ગેબેશ્વર મંદિર નજીક ખુલ્લી જમીનમાં સફેદ માટીનું ખનન કરતા ખનિજ માફીયાઓ જમીનમાંથી માટી કાઢવા માટે ગેરકાયદેસર વિસ્ફોટકોનો ઉપયોગ કરી બ્લાસ્ટિંગ કરતા હોય છે જેના લીધે પૌરાણિક મંદિરને મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સડલા ગામ અને આજુબાજુના વિસ્તારોના ગ્રામજનોની આસ્થા ગેબેશ્વર મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે પરંતુ જ્યારથી ખનિજ માફિયાઓએ મંદિરની આજુબાજુ જમીનમાં પગ પેસારો કર્યો છે ત્યારથી લોકોની લાગણી દુભાઈ છે. ખનિજ માફિયા “લાખો” હજારો ટન સફેદ માટી ચોરી કરી જાય છે જેના લીધે ગુજરાત સરકારની તિજોરી, પર્યાવરણ અને સાથે જ પૌરાણિક મંદિરને પણ મોટું નુકશાન કરી રહ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ અંગે પૌરાણિક મંદિરની જાળવણી માટે પુરાતત્વ વિભાગ, ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરી છે પરંતુ એક પણ વિભાગના અધિકારીઓ અહીં કાર્યવાહી કરવા માટે આગળ આવતા નથી તેવામાં હજારો ટન સફેદ માટી ખનનથી “લાખો” રૂપિયાની કમાણી કરતા ખનિજ માફીયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકો દ્વારા પણ માંગ ઉઠાવી છે.



