વંથલીના ખેડૂત ભીખુભાઈ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના પ્રાકૃતિક ખેડૂત ભીખુભાઈ મકવાણાએ રસાયણમુક્ત ખેતી અપનાવીને માત્ર સારું ઉત્પાદન જ નથી મેળવ્યું, પરંતુ અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક પણ બન્યા છે. ભીખુભાઈએ વર્ષ 2018માં એક એકર જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
- Advertisement -
પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ તેમણે આત્મા પ્રોજેક્ટના માધ્યમથી રાજ્યપાલના ફાર્મની મુલાકાત લીધી અને જમીનની કાર્બન તપાસ કરાવી. જમીનમાં કાર્બનનું ઓછું પ્રમાણ જોવા મળતા તેમણે જીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો. આજે, જીવામૃત, ઘન જીવામૃત, શેરડી અને એરંડીના ખોળ જેવા પ્રાકૃતિક ઘટકોના ઉપયોગથી તેમની 16 વીઘા જમીનમાં કાર્બનનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે. ભીખુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ હાલ 16 વીઘા જમીનમાં તુવેર, મગફળી અને વિવિધ શાકભાજીનું ઉત્પાદન લે છે. ઉપરાંત, તેમણે એક એકર જગ્યામાં નેટ હાઉસનો પ્રયોગ કર્યો છે, જેમાં સરકારની 50% સહાયથી આશરે રૂ.24 લાખના ખર્ચે ટમેટા, કાકડી, ધાણા અને મેથી જેવા પાકનું વાવેતર કરે છે. તેઓ જરૂરિયાત પ્રમાણે જીવામૃત, ધન જીવામૃત અને નિમાસ્ત્રનો ઉપયોગ કરે છે, જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આરોગ્યપ્રદ પાકો તૈયાર થાય છે. તેઓ ઑફ સિઝનમાં કાકડી અને ટામેટાનું ઉત્પાદન મેળવીને બજારભાવ પણ સારા મેળવે છે. ભીખુભાઈએ રસાયણયુક્ત ખેતીના ગેરફાયદા ગણાવતા કહ્યું હતું કે ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ રસાયણયુક્ત શાકભાજીના કારણે વધી રહી છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એ જ એકમાત્ર આરોગ્યપ્રદ રસ્તો છે. પ્રાકૃતિક ખેતીના આ પ્રયોગ થકી ભીખુભાઈ મકવાણા આજે અંદાજિત વાર્ષિક રૂ. 15 થી 16 લાખ જેટલી આવક મેળવીને અન્ય ખેડૂતો માટે સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.



