જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના વિજ્ઞાન વિલાસને સૌરાષ્ટ્રના પ્રથમ બે પત્રો કહી શકાય
કાઠિયાવાડના પ્રથમ બે પત્રો જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના વિજ્ઞાન વિલાસને કહી શકાય. સૌરાષ્ટ્રના શરૂના આ બંને પત્રોમાં ઘણી સામ્યતાઓ રહેલી હતી. વિજ્ઞાન વિલાસ અને સૌરાષ્ટ્ર દર્પણના મુખપૃષ્ઠ એકસમાન લાગતા હતા. જેમ સૌરાષ્ટ્ર દર્પણમાં મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું તેમ વિજ્ઞાન વિલાસમાં પણ મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું. સૌરાષ્ટ્ર દર્પણમાં જૂનાગઢ સરકારની મદદથી.. એવું લખાતું હતું તો વિજ્ઞાન વિલાસમાં ઝવેરી સાદીરામ શંકરદાસની મદદથી..
- Advertisement -
સૌરાષ્ટ્ર – કાઠિયાવાડનું પ્રથમ પત્ર ક્યું હતું એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. 1864 આસપાસ રાજકોટથી કાઠિયાવાડ સમાચાર અને જૂનાગઢથી વરતમાનપત્ર શરૂ થઈ ટૂંક સમયમાં બંધ પડી ગયાનો ઉલ્લેખ ઈતિહાસમાં કેટલીક જગ્યાએ નોંધાયેલો છે. 1868ના સમયગાળામાં ભાવનગરમાંથી બહાર પડતું મનોરંજક રત્નમાળ પણ સૌરાષ્ટ્ર – કાઠિયાવાડનું પ્રથમ પત્ર હોવાનું ઈતિહાસમાં ક્યાંકને ક્યાંક નોંધાયેલું જોવા મળે છે. કાઠિયાવાડ સમાચાર, વરતમાનપત્ર અને મનોરંજક રત્નમાળ અલ્પજીવી પત્રો હતા, તે સૌરાષ્ટ્ર – કાઠિયાવાડમાં ક્યાંથી, કોના દ્વારા, કઈ રીતે બહાર પડતા અને ક્યાં છપાતા તેની કશી ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, આ પત્રોના કોઈ અંકો પણ હાલ પ્રાપ્ય નથી. ગુજરાતી પત્રકારત્વના મારા અભ્યાસ મુજબ 1865માં જૂનાગઢમાંથી શરૂ થયેલું સૌરાષ્ટ્ર દર્પણ એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર છે. 1865માં જૂનાગઢમાંથી સૌરાષ્ટ્ર દર્પણ શરૂ થયા પછી 1868માં રાજકોટમાંથી વિજ્ઞાન વિલાસ શરૂ થયું હતું. આ અગાઉ જો અન્ય પત્રો બહાર પડેલા હોય તો તે અંગે કોઈ ચોક્કસ આધારપુરાવાઓ કે જાણકારી પ્રાપ્ત ન હોવાથી સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના પ્રથમ બે પત્રો જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના વિજ્ઞાન વિલાસને કહી શકાય. સૌરાષ્ટ્રના શરૂના આ બંને પત્રોમાં ઘણી સામ્યતાઓ રહેલી હતી.
વિજ્ઞાન વિલાસ અને સૌરાષ્ટ્ર દર્પણના મુખપૃષ્ઠ એકસમાન લાગતા હતા. જેમ સૌરાષ્ટ્ર દર્પણમાં મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું તેમ વિજ્ઞાન વિલાસમાં પણ મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું. સૌરાષ્ટ્ર દર્પણમાં જૂનાગઢ સરકારની મદદથી.. એવું લખાતું હતું તો વિજ્ઞાન વિલાસમાં ઝવેરી સાદીરામ શંકરદાસની મદદથી.. એવું લખાતું હતું. સૌરાષ્ટ્ર દર્પણની જેમ વિજ્ઞાન વિલાસનું મુખપૃષ્ઠ પણ પાછળથી લીલા રંગમાં છપાવવા લાગ્યું હતું. આ પત્ર પર પ્રગટ કરનાર તરીકે વિદ્યાગુણ પ્રકાશક સભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કાઠિયાવાડ જરનલ પ્રેસમાં છાપ્યું છે તેમજ વાર્ષિક લવાજમ 2-6-0 લખ્યું છે. વિજ્ઞાન વિલાસ દ્વારા સૌરાષ્ટ્ર – કાઠિયાવાડમાં જનજાગૃતિનું જે કાર્ય કરવામાં આવ્યું છે તે નોંધ લેવા લાયક છે. 1868માં રાજકોટમાંથી વિજ્ઞાન વિલાસ શરૂ કરવા માટે હરગોવિંદ કાંટાવાળાને સાદીરામ ઝવેરી નામના વ્યક્તિ દ્વારા એ સમયે ઘણી મોટી કહી શકાય તેવી 1000 રૂ. જેટલી રકમની સહાય કરવામાં આવી હતી. 1876માં હરગોવિંદ કાંટાવાળા રાજકોટ છોડી વડોદરા જતા રહે છે ત્યારબાદ પણ વિજ્ઞાન વિલાસનું પ્રકાશન ચાલુ રહે છે. કરસનદાસ મૂળજી અને મણીશંકર કિકાણીના પ્રયાસોથી શરૂ થયેલું વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ વ્યવસ્થિત સામયિક હતું.
1883માં જૂનાગઢમાંથી જ્ઞાનદિપક શરૂ થયું હતું. રૂપશંકર ઓઝાએ સાહિત્ય તેમજ કેળવણીના પ્રચાર તથા સમાજ સુધારા માટે સુમતિપ્રકાશ સભાની સ્થાપના કરી હતી અને તેના ઉપક્રમે આ 12 પાનાંનું પત્ર બહાર પડતું હતું. જ્ઞાનદિપક પોતાના નામની જેમ જ વાંચકોમાં જ્ઞાનનું દિપક પ્રગટાવવાનો ઉદ્દેશ ધરાવતું હતું. આ પત્રના પ્રથમ પૃષ્ઠ પર ઈશ્વરસ્તુતિ મૂકવામાં આવતી હતી. જ્ઞાનદિપક માંડ એકાદ વર્ષ ચાલીને બંધ પડી ગયું હતું. અન્ય એક પત્ર 1885માં જૂનાગઢથી આર્ય સહોદર બહાર પડવાનું શરૂ થયું હતું. તેના મુખપૃષ્ઠ પર પ્રકાશક તરીકે સૌરાષ્ટ્ર સમાજ, જૂનાગઢ, કાઠિયાવાડ એવો ઉલ્લેખ કરવામાં આવતો હતો તેમજ આર્ય અને સહોદર બે શબ્દો વચ્ચે ગણેશજીનું ચિત્ર મૂકવામાં આવતું હતું. અમદાવાદથી છપાતા આ માસિકની છૂટક કિંમત ત્રણ આના હતી. 1887માં ભાવનગરથી ખેતીવાડી ખાતાના અધિકારી શ્રી દુર્લભરામ રામજી જાનીએ ખેડૂત નામના સામયિકની શરૂઆત કરી હતી. આ એક સંપૂર્ણ કૃષિ સામાયિક હતું.
- Advertisement -
કાઠિયાવાડ ટાઈમ્સની છૂટક નકલની કિંમત બે આના અને વાર્ષિક લવાજમ ચાર રૂપિયા હતું. એક સમયે ગુજરાતી ભાષાની સામગ્રી કાઠિયાવાડ ટાઈમ્સમાં છપાવવાનું સંપૂર્ણ બંધ થઈ ગયા બાદ તે ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૈનિક બન્યું હતું, જોકે અંગ્રેજી સાથે તેની દ્વિભાષી અને દ્વિસાપ્તાહિક આવૃત્તિઓ અલગથી ચાલુ રહી હતી
કાઠિયાવાડ ટાઈમ્સ, વિજ્ઞાન વિલાસ, જ્ઞાનદિપક, આર્ય સહોદર, ખેડૂત, વાંચન..
તેના મુખપૃષ્ઠ પર ખેતી તથા બગીચા સંબંધી માસિક પુસ્તક એવું લખવામાં આવતું હતું. ખેડૂત સૌરાષ્ટ્ર – કાઠિયાવાડનું પ્રથમ કૃષિ અને કિસાન વિષયક પત્ર હતું.
વાંચન માસિક રાજકોટમાંથી તંત્રી વલ્લભજી સુદરજી કવિના માર્ગદર્શનમાં બહાર પડવાનું શરૂ થયું હતું. ક્યારે, કઈ સાલમાં શરૂ થયું હતું એનો કોઈ જ ઉલ્લેખ કશે મળતો નથી પણ હા, તેના જાન્યુઆરી 1934ના અંક ઉપર વર્ષ 16 અને અંક ત્રીજો એવું લખેલું છે જેના આધારે એવું કહી શકાય કે, વાંચન માસિક 1918 શરૂ થયું હશે. રાજકોટના કરણપરામાં આવેલા સુંદર પ્રેસમાં વાંચનનું છાપકામ થતું હતું. વાંચનના પ્રથમ પાનાં પર પુસ્તક વાંચતી સ્ત્રીનું ચિત્ર કલરમાં છપાતું હતું. આ માસિકનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા અને ત્રણ વર્ષના એક સાથે ભરો તો 10 રૂપિયા હતું. આ ઉપરાંત ભાવનગરમાંથી 1882માં સુબોધ પ્રકાશ અને 1919માં સ્ત્રી સુખ દર્પણ બહાર પડતું હતું. જૂનાગઢમાંથી બાળ જ્ઞાનોદય અને રાજકોટમાંથી વિદ્યાગુણ પ્રકાશ, શ્રીમાલી શુભેચ્છક જેવા પત્રો પણ બહાર પડતા હતા. મોટાભાગના પત્રો અને તેમની પ્રત ઉપલબ્ધ નથી. અમુક પત્રો શરૂ થયા પછી બંધ થયાનું વર્ષ માલૂમ પડતું નથી. સૌરાષ્ટ્રના શરૂઆતી પત્રોમાં જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના કાઠિયાવાડ ટાઈમ્સનો વ્યવસ્થિત ઈતિહાસ – નોંધ હાથવગા રહ્યા છે.
સૌરાષ્ટ્રના પત્રકારત્વમાં ખરા અર્થમાં વર્તમાનપત્ર કહી શકાય એવું પ્રથમ વર્તમાનપત્ર એટલે 1888માં રાજકોટમાંથી શરૂ થયેલું કાઠિયાવાડ ટાઈમ્સ. શરૂઆતમાં સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિક તરીકે બહાર પડતું કાઠિયાવાડ ટાઈમ્સ 1 જાન્યુઆરી 1890થી દૈનિક બની ગયું હતું. આ વર્તમાનપત્રનો પ્રારંભ કરનાર મૂળ સિંઘના દિવાન ભવાનીદાસ નનુમલ વજીરાણી હતા. કાઠિયાવાડ ટાઈમ્સ શરૂ થયું ત્યારે તે સાપ્તાહિક હોવા છતાં હાલના દૈનિકો જેવડી રોયલ સાઈઝમાં છપાતું હતું. તેના પ્રથમ અડધા પાનાંની જગ્યાએ કાઠિયાવાડ ટાઈમ્સ માસ્ટરહેડ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં છપાતું હતું. પ્રથમ પાનાં પર મોટાભાગે અંગ્રેજીમાં અને અંદરના પાનાંઓમાં ગુજરાતીમાં સમાચાર આવતા હતા, તેમાં સમાચાર સાથે કાવ્યો અને ચર્ચાપત્રો પણ છપાતા હતા. તેની ન્યૂઝપ્રિન્ટ ચાઈનાથી આવતી હતી. કાઠિયાવાડ ટાઈમ્સની છૂટક નકલની કિંમત બે આના અને વાર્ષિક લવાજમ ચાર રૂપિયા હતું. એક સમયે ગુજરાતી ભાષાની સામગ્રી કાઠિયાવાડ ટાઈમ્સમાં છપાવવાનું સંપૂર્ણ બંધ થઈ ગયા બાદ તે ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૈનિક બન્યું હતું. જોકે અંગ્રેજી સાથે તેની દ્વિભાષી અને દ્વિસાપ્તાહિક આવૃત્તિઓ અલગથી ચાલુ રહી હતી.
સાપ્તાહિક સ્વરૂપે સફળતા મેળવ્યા બાદ અને દૈનિક થયા પહેલા કાઠિયાવાડ ટાઈમ્સ અર્ધસાપ્તાહિક હતું, એપ્રિલ 1888થી તે દર બુધવાર અને રવિવારના દિવસે સાંજેના સમયે પ્રગટ થવા લાગ્યું હતું. સાંજનું પત્ર કરવા પાછળ આ સમાચારપત્રના સંચાલકોનો આશય એવો હતો કે, રાજકોટના લોકો સવારને બદલે સાંજના સમયે વાળું કરી લીધા પછી નિરાંતે છાપું વાંચવાનું વધુ પસંદ કરે છે. કાઠિયાવાડ ટાઈમ્સના માલિક-તંત્રીઓની આ દૂરંદેશીતાને દાદ દેવાનું મન થઈ જાય. કાઠિયાવાડ ટાઈમ્સ સાંજે બહાર પડતું સમાચારપત્ર બન્યા બાદ ખૂબ સફળ થયું. વાંચકોમાં છવાઈ ગયું. ત્યારથી લઈ આજ સુધી રાજકોટ-સૌરાષ્ટ્રમાં સવારની જગ્યાએ સાંજના સમયે વધારે પ્રમાણમાં અખબારો વંચાઈ રહ્યાં છે. વર્તમાનમાં તપાસ કરો તો દુનિયામાં સૌથી વધુ સાંધ્ય દૈનિક સૌરાષ્ટ્રમાંથી બહાર પડે છે. એકલા રાજકોટમાંથી સાંજના સમયે ડઝનેક જેટલા અખબારો બહાર પડે છે. સાંધ્ય દૈનિકો વિના સૌરાષ્ટ્રવાસીઓને વાળું ભાવતું નથી. સાંધ્ય દૈનિકની પરંપરા શરૂઆત કરનારું અખબાર કાઠિયાવાડ ટાઈમ્સ હતું, કાઠિયાવાડ ટાઈમ્સ સૌરાષ્ટ્રનું પ્રથમ સાંધ્ય દૈનિક હતું.
વધારો : ગુજરાતી પત્રકારત્વની બે સદીની લેખનયાત્રામાં અગાઉ શારદા, પ્રિયવંદા, કૌમુદી, માનસી, સુદર્શન તેમજ ગુજરાત શાળાપત્ર અને સૌરાષ્ટ્ર દર્પણ જેવા સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના શરૂઆતી પત્રોનો વિશેષ – અલગથી ઉલ્લેખ થઈ ગયો હોય અહીં તેમનું પુનરાવર્તન ટાળ્યું છે.