મેગા લોકઅદાલતમાં અકસ્માતના 352 કેસમાં પણ સમાધાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં શનિવારે મેગા લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 60257 કેસ હાથમાં લેવામાં આવ્યા હતા. જેમાં 30465 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ અકસ્માતના કેસમાં 55 કરોડ અને ચેક રિટર્ન કેસમાં 30 કરોડ રૂપિયાના સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
તા.14-12ના રોજ શનિવારે રાજકોટમાં મેગા લોકઅદાલતનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વી.બી.ગોહિલ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ, બાર એસો.ના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી લોકઅદાલતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ, કોર્ટના કર્મચારી, રાજકોટ બારના સભ્યો, એમએસીપી બારના સભ્યો, ઇન્સ.કંપનીના કર્મચારીઓ, હાજર રહ્યા હતા. લોકઅદાલતમાં પેન્ડિંગ કેસ તથા લિટિગેશન કેસ મળી કુલ 60257 કેસ હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં અકસ્માત વળતરના 352 કેસમાં સમાધાન રાહે નિકાલ કરાયો હતો. જેમાં રૂ.55.44 કરોડ જેટલી રકમનું સમાધાન થયું હતું. તેમજ ચેક રિટર્નના 2390 કેસનો સમાધાન રાહે નિકાલ કરાયો હતો. જેમાં કુલ 30 કરોડ જેટલી રકમનું સમાધાન થયું હતું. તેમજ લગ્ન વિષયક તકરાર અંગેના 103 કેસમાં સમાધાન થયા હતા અને ઇ-મેમો સાથેના કુલ 11942 કેસનો સમાધાન રાહે નિકાલ થયા હતા જેમાં ત્રણ કરોડ જેટલી રકમનું સમાધાન થયું હતું.