નાના શ્રમજીવીઓ નગરપાલિકાને રૂપિયા ચૂકવે છે તો હેરાનગતી શા માટે?
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.26
આધ્યાત્મિક વિશ્વની પવિત્ર ભૂમિ કહેવાતી દ્વારકા નગરપાલિકા ક્ષેત્રમાં તાજેતરના દિવસોમાં એક અત્યંત નિંદનીય અને દયાવિહિન બનાવ સામે આવ્યો છે. જ્યાં એક બાજુ મોટા વેપારીઓ અને અસલ દબાણકારો સામે નગર પાલિકા આંખો મીંચે બેઠી હોય તેવું જણાય છે, ત્યાં બીજી બાજુ શ્રમજીવી ગરીબ સમાજના લોકો કે જેમનું ગુનો માત્ર દહીં-છાશ વેચીને પોતાનું ગુજરાન ચલાવવાનું છે. તેમના પર અન્યાયી અને અત્યાચારભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
આ ચારણો નગરપાલિકાને નક્કી કરેલી ફી ચૂકવીને અને પાવતી મેળવીને પોતાના પરિશ્રમથી તૈયાર કરેલું દહીં-છાશ શહેરમાં વેચવા લાવે છે. તેમ છતાં, પાલિકા દ્વારા વારંવાર તેમનો માલ દહીં, છાશ, ડબ્બા, વાસણો, બળજબરીથી જપ્ત કરવામાં આવે છે. દ્વારકાની બજાર માર્ગ, રણછોડજી મંદિર વિસ્તાર, ઓખા દરવાજા નજીક અને અન્ય વિસ્તારોમાં અસલ દબાણકારો દ્વારા રસ્તાઓ પર કબજો કરી લેવાની વાત અનેકવાર સામે આવી છે. તેમ છતાં આ દબાણકારો સામે કોઇ યોગ્ય કાર્યવાહી થતી નથી.
અન્યાયની પરાકાષ્ઠા ત્યારે થાય છે જ્યારે પોતાના હાંડે-હાંડે બનાવેલી છાશ અને ઘેલું ભરી લાવનારા ગરીબ ચારણો, જેઓ દૂધના ધંધાર્થી પોતાના બાળકોના પેટનું ગુજરાન ચલાવે છે તેમની આ જ પરિશ્રમભરેલી માલ વસ્તુઓને છાશવારે બળજબરીથી જપ્ત કરવામાં આવે છે. આ ચારણો નિયમિત રીતે નગરપાલિકાને તેમના ટેબલ અથવા વ્યવસાય માટે નક્કી કરેલી ફી ચુકવે છે અને તેની કાયદેસર પાવતી પણ મેળવે છે. આ પાવતી એ તેમની ન્યાયસંગત હાજરી અને વ્યવસાય માટેની મંજૂરી દર્શાવે છે. તેમ છતાં તેમનો માલ જપ્ત કરવામાં આવે તો એ પાવતીનું મૂલ્ય શું?