રાય તથા કપાસનો પાક ઉપાડવામાં આવતા મસીનો ઉપદ્રવ એકાએક વધી જાય છે : મહાપાલિકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી એકાએક મસીનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાતાવરણમાં પલટો આવતા અચાનક જ મસીનો એટેક શરૂ થઇ જતા વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે અને નાના-મોટા અકસ્માતના બનાવો પણ વધી ગયાની ફરિયાદો ઉઠી છે. શહેરીજનો અને તેમાં પણ ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને પરેશાન કરનાર મસીના ઉપદ્રવને અટકાવવા મહાનગરપાલિકાના મલેરિયા વિભાગ પાસે કોઇ ઇલાજ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. શહેરના વાહનચાલકોને મસી નામની જીવાતના ઉપદ્રવે રવિવારથી હેરાન-પરેશાન કરી દીધા છે. ટુ-વ્હીલર લઇને જતા વાહનચાલકો તથા પગપાળા જતા રાહદારીઓ મસી નામની જીવાતથી તોબા પોકારી ગયા છે.
- Advertisement -
વાહનચાલકો અને રાહદારીઓ જતા હોય ત્યારે મસી સીધી આંખમાં ઘૂસી જતી હોય અથવા વાતો કરતા હોય ત્યારે મોંઢામાં ઘૂસી જતી હોય લોકોની હાલત કફોડી કરી નાખી છે. આ મુદ્દે મહાનગરપાલિકાના મલેરિયા વિભાગના બાયોલોજિસ્ટ વૈશાલીબેન રાઠોડનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેતરમાં રાય અને કપાસનો પાક થઇ જાય ત્યારબાદ ખેડૂતો તે પાક ઉપાડવાનું શરૂ કરે ત્યારે મસી નામની જીવાતની ઉડાઉડ વધી જાય છે અને તે મોટી સંખ્યામાં હવા સાથે ઉડીને લોકોની આંખમાં અને મોંઢામાં ઘૂસી જતી હોય છે. જો કે આ વિભાગ આરોગ્ય સાથે સબંધિત ન હોવાથી તેના માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. મસીના સતત ઉપદ્રવના કારણે વાહનચાલકોને હેલમેટ અને ચશ્મા પહેરવા અપીલ કરાઇ છે. જ્યારે ચાલીને જતા રાહદારીઓને પણ ચશ્મા તથા મોઢા પર દુપટ્ટો કે રૂમાલ બાંધવા અપીલ કરાઇ છે. આ મસી લોકોના કપડા પર પણ ચીટકી જતી હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે. મસી વાહનચાલકોની આંખમાં ઘૂસી જતી હોવાથી અકસ્માતની ઘટના પણ વધી છે. તેમજ લોકોને આંખ લાલ થઇ જવાથી લઇને સોજી જવા સુધીની ફરિયાદ ઉઠી છે.



