આસો માસના સુદ પક્ષની દશમી તિથિ એટલે દશેરા અથવા વિજયાદશમી. એક તરફ આ શુભ દિને ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો તો બીજી તરફ માતાજીએ પણ મહિષાસુર નામનાં રાક્ષાસનું વધ આ દિવસોમાં કરેલું હતું. આથી આ પર્વને અધર્મ પર ધર્મનાં જયનો અને અસત્ય પર સત્યનાં વિજયનાં દિવસ વિજયદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. દશેરા પર્વને ભગવાન શ્રીરામના વિજય તરીકે અથવા દુર્ગાપૂજા તરીકે મનાવવામાં આવે છે. એક રીતે જોઈએ તો બંને પર્વ શક્તિપૂજાના છે, શસ્ત્રપૂજનની તિથિ છે. હર્ષ અને ઉલ્લાસ તથા વિજયનું પર્વ છે. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ અને સમાજમાં વીરતા પ્રગટ થાય તેના માટે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે.
દશેરાનો દિવસ વર્ષની ખૂબ જ શુભ તિથિઓમાંનો એક દિવસ એક છે. આ દિવસે પ્રારંભ કરવામાં આવેલા કાર્યમાં સિદ્ધિ-સફળતા-વિજય અચૂક મળે છે. દશેરાનાં દિવસે નવા પુસ્તકો, ચોપડા લખવાનો પ્રારંભ, નવા પ્રોજેક્ટનો પ્રારંભથી લઈ કૃષિને લગતાં કાર્યો કે કોઈપણ કાર્યનો શુભારંભ થાય છે. આ દિવસે શસ્ત્રપૂજન, શમીપૂજન, નવા વાહન-જમીનની ખરીદીની સાથે જ વાહન પૂજા પણ કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય ’વિજય’ નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. દશેરાનાં દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે. પ્રાચીન કાળમાં રાજાઓ દશેરાનાં દિવસે દિવસે પ્રાર્થના કરીને વિજયની કામના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરતા હતા. આ દિવસે ઘણી જગ્યાએ મેળા ભરાય છે. રામલીલાનું આયોજન થાય છે. રાવણનું પૂતળું બનાવીને તેનું દહન કરવામાં આવે છે. આસો માસનાં નવ નોરતાંની સમાપ્તિના બીજા દિવસે ઉજવાતો આ તહેવાર વર્ષાઋતુની સમાપ્તિનો પણ સૂચક છે. આ દિવસે ચોમાસાના પ્રારંભે સ્થગિત કામકાજ ફરીથી શરૂ કરવામાં આવે છે.
- Advertisement -
લંકાપતિ રાવણ પંડિત, તપસ્વી, બુદ્ધિમાન અને પરાક્રમી પુરુષ હતો સાથે જ તે અતિશય લોભી અને અભિમાની પણ હતો. તેણે પોતાની શક્તિઓનો હંમેશાં દુરુપયોગ જ કર્યો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલો અને તપસ્વી ઋષિનો પુત્ર હોવા છતાં તે દાનવરાજ બન્યો, કારણ કે તેની બુદ્ધિ દસ વિકારોમાં ફસાયેલી હતી, તેથી જ સમસ્ત બ્રહ્માંડમાં બ્રહ્મા અને દેવી સરસ્વતી પછી ચારેય વેદ મુખપાઠ ભણનારો રાવણ દસ માથાંવાળા દુરાચારી તરીકે પ્રસિદ્ધ થયો. રાવણનાં દસ માથાં વાસ્તવમાં તેનામાં રહેલા દસ વિકારોનું પ્રતીક છે. દશેરાનું પર્વ દસ પ્રકારનાં પાપ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને ચોરીના પરિત્યાગની સદ્પ્રેરણા આપે છે.
નવ દિવસ સુધી શક્તિની આરાધના કર્યા પછી અજેય નામનું બાણ મેળવીને ભગવાન શ્રીરામે દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યોં હતો. જોકે, રાવણ પરમ જ્ઞાની પંડિત હતો પરંતુ મનમાં અહંકારના ભાવને કારણે તેણે માતા સીતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો અને અશોકવાટિકામાં કેદ કરવાનું દુસ્સાહસ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રીરામ હનુમાનજીની મદદથી રાક્ષસરાજ રાવણને પરાસ્ત કરવામાં સફળ થયા હતા. તેમણે રાવણને યુદ્ધમાં પરાસ્ત કરીને, સીતાને મુક્તિ આપવાનું મહાન કાર્ય કરીને દશમીના દિવસને પાવન કરી દીધો. શ્રીરામે રાવણના અહંકારને ચૂરચૂર કરીને સમગ્ર જગતને મૂલ્યવાન શિક્ષા આપી, જેની આપણાં રોજિંદા જીવનમાં જરૂરી છે. શ્રીરામની આ શીખ માનવીય જીવનમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થશે. આપણે પણ આપણાં જીવનમાં અહંકાર, લોભ, લાલચ અને અત્યાચારી વૃત્તિઓને ત્યાગીને ક્ષમારૂપી બનીને જીવન જીવવું જોઈએ.
નવરાત્રીનાં નવ દિવસ બાદ દશમા દિવસને દશેરા એટલે કે વિજયાદશમી
નવરાત્રીનાં નવ દિવસ બાદ દશમા દિવસને દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પુરાતનકાળથી જ વીરતા અને શૌર્યની પૂજક રહી છે. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન શ્રી વિષ્ણુનાં દરેક યુગનાં અવતારોએ અસુરો પર વિજય મેળવીને સમાજ જીવનને દૂષિત થતો અટકાવ્યો છે. આથી જ વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટ થાય તે માટે દશેરા-વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. ભગવાન શ્રીરામચંદ્રજીના યુગથી જ વિજયાદશમીનો દિવસ વિજયનું પ્રતિક બન્યો છે. દશેરાએ અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો તેમજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં દશેરાને ‘શિલંગણ’ તરીકે દક્ષિણીઓ તેને ‘દુસેરા’ તરીકે તેમજ તેલુગુ લોકો ‘બતકમ્વા’ તરીકે ઓળખે છે. આપણે ત્યાં વિજયાદશમીનાં દિવસે ગલગોટાના ફુલોનું તોરણ અને લીંબુ-મરચાનો જૂડો બાંધવામાં આવે છે. તેમજ વાહનોનું પૂજન પણ કરવામાં આવે છે. ઉપરાંત ક્ષત્રિય લોકો તેમના અસ્ત્ર-શસ્ત્રોનું વિધિપૂર્વક પૂજન કરે છે. આસો સુદ દશમ એટલે કે વિજયાદશમીનાં પાવન દિવસે ઠેર-ઠેર ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવે છે.