નેફ્રોલોજીસ્ટ અને હોસ્પિટલોની માનવતા મહેકી ઉઠી
દર્દીઓ હડતાળનો ભોગ ન બને તે માટે તમામ બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટર હડતાલના દિવસે કાર્યરત રહ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા જાહેર કરેલા તા. 14 થી 16 ઓગષ્ટ પીએમજય યોજના હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલ અને બંધના આંદોલન અંતર્ગત હડતાલ દરમ્યાન રાજકોટના તમામ બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત રહી 250 થી વધુ કિડનીના દર્દીઓના ડાયાલિસિસ કરી સરકાર વિરુદ્ધની લડાઇનો ભોગ દર્દીઓ ન બને તેની કાળજી લેવામાં આવી હતી. અત્રે એ ઉલેખનીય છે, આ તમામ ડાયાલિસિસનો ખર્ચ ન તો દર્દીએ કે ન તો સરકારે ભોગવ્યો પરંતુ હોસ્પિટલો અને ડોકટરોએ આ તમામ ડાયાલિસિસ સ્વખર્ચે કરી તેમની માનવતા મહેકાવી હતી.
નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના રાજકોટ ચેપ્ટરના જણાવ્યા અનુસાર તેમની લડત સરકારશ્રી વિરુદ્ધ હોય, તેમા દર્દીઓ પીસાય તેવો તેમનો લેશમાત્ર ઇરાદો પણ ન હોય, આ હડતાલ દરમ્યાન રાજકોટના તમામ બિનસરકારી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત રહી જે દર્દીઓને અઠવાડીયામાં બે થી ત્રણ વાર ડાયાલિસિસ કરવાના થતા હોય, તેમના જીવ ઉપર જોખમ હોય, ડોકટરોએ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિભર્યું અને માનવતાસભર વલણ દાખવી તેમના આંદોલન વચ્ચે તે તમામ ખર્ચ પોતે ભોગાવી દર્દીઓને હાલાકી પડવા દીધી ન હતી.
વધુમાં તેઓ જણાવે છે કે તેમનું સરકાર વિરુદ્ધનું આંદોલન ચાલુ જ છે અને આવનારા દિવસોમાં હજુ વધુ કડક પગલાઓ લેવાની ફરજ પડશે તો લેવા તૈયારી બતાવી છે. અત્રે એ ઉલેખનીય છે કે આ આંદોલનમાં દર્દીઓનો પણ લાગણીસભર ટેકો ડોકટરો અને બિનસરાકારી ડાયાલિસિસ સેન્ટરો તરફે છે. સરકારશ્રી અને પીએમજયના અધિકારીઓ ખોટી જીદ રાખી, દર્દીઓના જીવન રક્ષણની બીલકુલ પરવાહ કર્યા વિના અન્યાયી નિર્ણયો લેતા ખચકાતા ન હોય, તો ડોકટરો આ ન્યાય માટેની લડાઇમાં શા માટે અન્યાય સામે નમતુ જોખે તેવી ચર્ચાઓએ મેડીકલ ફેટર્નીટીમાં જોર પકડયું છે.