થાનગઢ અને વાંકાનેર તાલુકાની હદમાં આવતા તરખિયા ગામ નજીક થતી ખનિજ ચોરી પર દરોડો
હુમલો કરનાર શખ્સો મોરબી જિલ્લાની હદમાં ખનિજ ચોરી કરતા હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓની ફરી એક વખત ગુંડાગીરી સામે આવી છે જેમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમના કેટલાક કર્મચારીઓ થાનગઢ અને વાંકાનેર તાલુકાની હદમાં આવતા તરખિયા ગામ નજીક થતી ખનિજ ચોરી પર દરોડો કરવા જતા ખનિજ માફીયાઓ દ્વારા કર્મચારીઓને મેથીપાક ચખાડ્યો હતો. જોકે કહેવાય છે કે જે સ્થળ પર ખનિજ ચોરી થતી હતી તે સ્થળ તળિયા ગામ એટલે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હદ આવતી હોવા છતાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમના કર્મચારીઓ દરોડો કરવા પહોંચ્યા હતા હવે આ કર્મચારીઓ દરોડો કરવા જ પહોંચ્યા હતા કે કેમ ? તે અંગે સવાલ હજુય રહસ્ય છે પરંતુ ખરેખર જે સ્થળ પર ખનિજ ચોટી થતી હતી તે સ્થળ મોરબી જિલ્લાની હદમાં હોય તો ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ ભાન ભૂલી હોવાનું કહી શકાય છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ પર ખનિજ માફીયાઓ દ્વારા અત્યાર સુધીમાં બે વખત હાથ સાફ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વારંવાર સત્તાના નશામાં કર્મચારીઓ પોતાની હદ છોડી અન્ય જિલ્લાની હદમાં દરોડા કરવા જતા કર્મચારીઓ સામે પણ અનેક શંકા કુશંકા ઉપજી છે. ત્યારે બાહોશ ગણાતા પ્રાંત અધિકારીની ટુકડી પર ખનિજ માફિયાઓના હુમલાને લઈ કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તે પોલીસની હદ નક્કી કરશે પરંતુ હાલ તો પ્રાંત અધિકારીની ટીમ પર ખનિજ માફીયાઓ દ્વારા હુમલો કરવાની ઘટના મોરબી જિલ્લા કરતા વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
ખનિજ માફિયાઓ વાહનો લઈ નાસી ગયા
ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની હદ પર ચાલતા ગેરકાયદેસર ખનન પ્રક્રિયા પર દરોડો કર્યો હતો જોકે હજુ હદની સ્પષ્ટતા થઈ નથી પરંતુ દરોડા દરમિયાન પ્રાંત અધિકારીની ટીમને ખનિજ માફીયાઓ દ્વારા મેથીપાક ચખાડી ડમ્ફર હિટાચી (જેસીબી) સહિતના વાહનો પાક નાશી છૂટયા હતા અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવી નાશી છૂટયા હતા.



