છેલ્લા એક મહિનામાં આશરે ચારથી વધુ લોકોના ડમ્પરની અડફેટે મોત નીપજ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ખનિજ ચોરી ધમધોકાર ચાલી રહી છે તે પ્રકારે આ ખનીજનો વાહન કરતા વાહનો પણ બેરોકટોક રોડ પર દોડી રહ્યા છે. આ ખનિજ ભરેલા વાહનો વારંવાર રાહદારીઓને અડફેટે લેતા અનેક પરિવારોએ પોતાના ઘરના મોભી અને સભાનો ગુમાવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાની જો વાત કરીએ તો લગભગ ચારથી વધુ લોકો માત્ર ડમ્ફરના અકસ્માતે મોતને ભેટ્યા હોવાની ફરિયાદો જુદા જુદા વિસ્તારોમાં નોંધાઈ છે. જોકે આ સમયે જિલ્લા પોલીસની ડમ્ફર ડ્રાઇવ પણ ચાલતી હતી તેવા જ સમયે બેફામ દોડતા ડમ્ફરે લોકોના જીવ લીધા હતા. ત્યારે ગત 30 માર્ચના રોજ આ ડમ્ફર ડ્રાઇવ પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ ડ્રાઇવ શરૂ હતી ત્યારે અને હવે પૂર્ણ થઈ ત્યારે પણ રોડ પર બેફામ દોડતા ડમ્ફરોના નિયંત્રણમાં કોઈ ફેર પડ્યો નથી. મોટાભાગે આ પ્રકારના વાહનોમાં ખનિજ ભરેલું હોવાથી ગેરકાયદેસર હોવા છતાં જિલ્લાની દરેક સરહદ અને ચેકપોસ્ટ પરથી પાર થાય છે છતાં આવા વાહનો પર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ગેરકાયદેસર ખનિજ ભરેલા, ઓવર લોડ વજન, નંબર પ્લેટ વગર સહિતના ટ્રાફિકના તમામ નિયમો ભંગ કરતા આવા વાહનોને રોકવાના બદલે સ્થાનિક પોલીસ સામાન્ય ગ્રામ્ય વિસ્તારોના બાઈક ચાલકોને રોકી ટ્રાફિક નિયમો ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી કરે છે.



