છેલ્લા 3 દિવસમાં સરકારી હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટીના 100 કેસ, ડેંગ્યુની 100 ઓપીડી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સમગ્ર પંથકમાં માવઠું થયું. વરસાદ સાથે બરફના કરાં પણ પડ્યા હતા. જેને કારણે મિશ્ર ઋતુ અને તાપમાન ઘટી જતાં રોગ ચાળો વકર્યો છે. મિશ્ર ઋતુની અસરના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 100 કેસ નોંધાયા છે. જ્યારે ડેંગ્યુની 100 ઓપીડી નોંધાઇ છે. શિયાળા સાથે માવઠું થતા તાપમાનનો પારો એકાએક ગગળતા ઠંડા પવનથી લોકોએ સાવચેત રહેવું અને તકેદારી-કાળજી રાખવી તેવું સૂચન સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદીએ કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, 5 વર્ષથી નાના બાળકો અને 50 વર્ષના મોટી વયના લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. સિવિલમાં સામાન્ય શરદી તાવના 150 કેસ નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.ત્રિવેદીએ જણાવ્યા મુજબ ત્રણ દિવસથી ઠંડીનો માહોલ છે. વરસાદ સાથે બરફ પડતા માવઠાની અસર વાતાવરણમાં જોવા મળી છે. ત્રણ દિવસમાં ટેમ્પરેચર ખૂબ જ ઘટી ગયું છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગની ઓપીડીમાં સરેરાશ 150થી 175 ઓપીડી થાય છે. જેમાં 100 જેટલા ઝાડા ઉલ્ટીના દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય ડેંગ્યુના દર્દી પણ 100 જેટલા નોંધાયા છે. પણ આ દર્દીઓને દાખલ કરવાની જરૂરિયાત નહોતી જણાય. 150 જેટલા સામાન્ય તાવ શરદીના કેસો છે. આમ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ રહી હતી.
- Advertisement -
સિવિલમાં સામાન્ય શરદી તાવના 150 કેસ નોંધાયા
જોગિંગ માટે સવારે થોડા મોડા જાવ, ગરમ કપડાં પહેરો, ગરમ પાણી પીવું, ઠંડા પીણાં ત્યજો : ડૉ. ત્રિવેદી
ડો.ત્રિવેદીએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં એકાએક તાપમાન ઘટી ગયું છે. જેથી ખાસ વહેલી સવારે અને ઢળતી સાંજે ઠંડી વધુ હોય છે. વહેલી સવારે જોગિંગ જતા લોકોએ સવારે થોડા મોડા જોગિંગ કરવા જવું. ગરમ આખી બાયના કપડાં પહેરવા, ગરમ પાણી પીવુ અને ઠંડું પાણી તેમ ઠંડા પીણાં ન પીવા. વધુ ઠંડીના કારણે બ્લડ સર્ક્યુલેશનને અસર થાય છે. જો સાવચેતી રાખવામાં આવે તો હાર્ટ એટેક બ્રેઇન સ્ટ્રોકથી બચી શકાય છે.