ભોજનની એક ડીશના રૂા.10000! લગ્નોમાં વધતો ભપકો!!
પ્રાદેશિક – દેશી ઉપરાંત ઈન્ટરનેશનલ ડીશ રાખવાનુ ચલણ : હવે એક કે બે દિવસના બદલે 4 – 5 કે 7 દિવસ સુધી ફંકશન રાખવાનો ટ્રેન્ડ
- Advertisement -
રાજયમાં દેવદિવાળી બાદ લગ્નસીઝન જામી છે. હજારો-લાખોની સંખ્યામાં લગ્નો હોવાથી ઈવેન્ટ મેનેજમેન્ટથી માંડીને વેડીંગ બીઝનેસ જોરદાર ખીલ્યો છે. હવે ભપકાદાર લગ્નોનો ટ્રેન્ડ છે અને તેને કારણે ખર્ચ-બિઝનેશમાં મોટો વધારો છે ત્યારે કેટરીંગ-ભોજનમાં દેશી ઉપરાંત ઈન્ટરનેશનલ ડીસીઝની વધતી બોલબાલા ધ્યાન ખેંચનારી બની છે. વૈભવી લગ્નોમાં પ્લેટદીઠ રૂા.10000 સુધીની ડીશનુ ચલણ શરૂ થયુ છે.
લગ્નોના ભોજનમાં પ્રાદેશિક સ્પેશ્યલ ડીશ ઉપરાંત ઈન્ટરનેશનલ ડીશનો ટ્રેન્ડ વધવામાં છે. નોર્મલ ડીશ રૂા.800થી 2500માં થાય છે. ભપકાદાર-વૈભવી લગ્નોમાં એક ડીશની કિંમત રૂા.5000 થી 10000 સુધીની પણ થવા લાગી છે. પ્રવર્તમાન લગ્નગાળામાં ભોજન ડીશના સરેરાશ ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ 10 ટકાનો વધારો છે. ગળાકાપ સ્પર્ધા છે છતાં સ્ટેટસ મુજબનો ભપકો કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વૈભવી લગ્નો માટે બજેટમાં જ વધારો નથી પરંતુ ઉજવણીના દિવસો પણ વધારવામાં આવી રહ્યા છે.
ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરા એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, લગ્નોમાં વધુને વધુ ભપકો આકર્ષક અને કાંઈક નવુ કરવાનું ચલણ છે. ભોજન મહત્વનો ભાગ હોય છે અને તે પાછળના ખર્ચમાં મોટો વધારો થઈ રહ્યો છે. ભારતની જ પરંપરાગત પ્રાદેશિક ડીશો રાખવા ઉપરાંત ઈન્ટરનેશનલ ડીશ રાખવાનું ચલણ છે. ભોજનનો નવો જ અદભૂત અનુભવ કરાવવા દરેકે દરેક ટેબલ પર નાની ડીશ રાખીને સ્વાદની સવલત આપવામાં આવી રહી છે ગમે તેટલો ખર્ચ થાય તેનો વાંધો લેવાતો નથી.
- Advertisement -
તેઓએ કહ્યું તે વધતી મોંઘવારીને કારણે ગત વર્ષની સરખામણીએ ભોજન ખર્ચ 10 ટકા વધ્યો જ છે. સાથોસાથ નવા-નવા ટ્રેન્ડથી તે ઘણો વધી રહ્યો છે. પાર્ટી પ્લોટમાં યોજાતા કોઈપણ લગ્નોમાં રૂા.1500ની ડીશ સામાન્ય છે. લગ્નોમાં ભોજન પાછળ સરેરાશ રૂા.800 થી 2500નો ખર્ચ કરતા હોય છે. જયારે ભપકાદાર લગ્નોમાં આ ખર્ચ રૂા.5000 થી 10000નો હોય છે. ઈવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના સભ્ય રાજીવ છાજરના કહેવા પ્રમાણે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ મારફત યોજાતા લગ્નો અને તેના સમયગાળામાં મોટો વધારો રહ્યો છે. જુની પરંપરા મુજબ વિવાહ કરવાનો ક્રેઝ વધ્યો છે. સાથોસાથ આધુનિક થીમ આધારિત જુદા-જુદા ફંકશન રાખવાનો આગ્રહ થાય છે.
સંગીત સંધ્યામાં જુદા-જુદા ડાન્સઝોન રચાય છે. વરઘોડામાં નવીનતા વધી છે. હોસ્પીટાલીટી વધી છે. ડેકોરેશન સહિતનો ખર્ચ વધ્યો છે. હવે અર્ધોઅર્ધ લગ્નો ઈવેન્ટ મેનેજમેન્ટ મારફત થતા હોવાનો અંદાજ છે.