જૂનાગઢ-ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ચોમાસાનો વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. વરસાદની અછતને કારણે ખેતીના પાક પર સીધી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે.
- Advertisement -
ગીર સોમનાથના તાલાલા, ઊના, ગીર ગઢડા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, પરંતુ તેનું પ્રમાણ અત્યંત ઓછું છે, જે પાક માટે પૂરતું નથી. વરસાદની રાહ જોયા વિના ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે ફુવારા પદ્ધતિથી પાણી આપવાનું શરૂ કર્યું છે. આ પદ્ધતિ દ્વારા તેઓ પાકને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોમાં નુકસાનનો ડર સતાવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો પાસે પાકને પિયત કરવા માટે ફુવારા પદ્ધતિની સુવિધા નથી, તેમને ભારે નુકસાન થવાની શક્યતા છે.આ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી નુકસાનીનો યોગ્ય અંદાજ લગાવી શકાય અને તેમને યોગ્ય સહાય મળી શકે. ખેડૂતો હાલ આકાશ તરફ મીટ માંડીને સારા વરસાદની આશા રાખી રહ્યા છે, જેથી તેમના પાકને જીવનદાન મળે અને તેમની મહેનત નિષ્ફળ ન જાય.