ધ્યાનથી ગાડી ચલાવવાનું કહેતા નિર્દોષ યુવકો પર ડંડાથી તૂટી પડ્યો
કાર ચાલક દિવ્યરાજસિંહ જાડેજા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડીને ખાડે ગઈ હોય તેનું ઉત્તમ ઉદાહરણ સમાન કિસ્સો કાલે જોવા મળ્યો હતો ગત રાત્રે શહેરના નાના મવા રોડ ઉપર જતા બે યુવાનોના વાહન સાથે કારચાલકે ઠોકર મારી હતી સ્વાભાવિક છે કે કોઈ કારણ વિના કોઈ કારચાલક પોતાનું વાહન અથડાવે તો સહજ પૂછવું તો પડે એટલે યુવાનોએ સરખી રીતે જોઈને કાર ચલાવવાનું કહેતા કારમાં બેઠેલા બંને શખશો ઉશકેરાઈ ગયા હતા અને હાથમા ધોકો લઈને નીચે ઉતરી ધોકાથી મારકૂટ ચાલુ કરી દીધી હતી બનાવને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને આ બનાવનો વિડીયો પણ વાયરલ થયો હતો જયારે બંને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે 108 એમ્બયુલેન્સ મારફતે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી. ત્યારે બાઈક ચાલકે કાર ચાલકે પોલીસ કર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે થઈ ગયો હતો અને તેમણે યુવકો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મી લાકડી વડે યુવકને મારતો જોવા મળી રહ્યો છે. બાઈક ચાલક દ્વારા પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી નારાજ યુવકોએ તંત્ર પાસે આ પોલીસ કર્મી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
રાજકોટ પોલીસ ‘વરઘોડો’ કાઢશે?
- Advertisement -
રાજકોટમાં કાર ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં કોન્સ્ટેબલે જ કાયદો હાથમાં લીધો હતો. કાર ચાલક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. દિવ્યરાજસિંહ જાડેજા નામના આ પોલીસ કર્મીએ બાઈક ચાલક પર લાકડી વડે હુમલો કર્યો હતો. બાઈક ચાલકે બનાવનો એક વીડિયો પણ ઉતાર્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અગાઉ વરઘોડો તો નીકળશે જ તેવી જાહેરાત કરવામાં આવી હતી તે પછી રાજ્યભરમાં વિવિધ ગુનાઓમાં પકડાતા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢવાનું શરૂ કર્યું હતું ત્યારે આ કિસ્સામાં તો નિર્દોષ યુવાનો ઉપર હુમલો કરનાર જ ખુદ પોલીસમેન છે તો શું રાજકોટ પોલીસ આ પોલીસ જવાનનો વરઘોડો કાઢશે કે કેમ તે મોટો પ્રશ્ર્ન ઉદભવ્યો છે.