ખાસ-ખબર સંવાદદાતા
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિનની ઉજવણીના ભાગરૂપે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા શાળા કોલેજોમાં જઈને અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. તા. 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિનની ઉજવણીના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી. ના પોલીસ ઈન્સ્પેકટર જે. એમ. આલ સહિતની એસ. ઓ. જી. ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાન રૂપે નાર્કોટીકસ ડ્રગ્સને લગતા પ્રેઝન્ટેશન બનાવી મોરબી જીલ્લામાં આવેલ જુદી જુદી સ્કુલો અને કોલેજોમાં વિધાર્થીઓએ ડ્રગ્સનુ સેવન ન કરવા તેમજ ડ્રગ્સના સેવનથી દૂર રહેવા તથા આ નશાથી થતી આડ અસરોની ચૂંગાલમાં ફસાઈ ગયેલ હોય તો તેને કેવી રીતે બહાર લાવવા તે અંગે મોરબીની સ્કુલો અને કોલેજોમાં એસ.ઓ.જી. ટીમે રૂબરૂ જઈને અવેરનેસ કાર્યક્રમો કર્યા હતા.
આ ઉપરાંત નવલખી પોર્ટ વિસ્તારમાં ફીશરમેન સાથે મીટીંગ કરી તેઓને પણ દરિયાઈ રસ્તે આવતી જતી બોટો મારફતે ડ્રગ્સની ઘુસણખોરી કેવી રીતે થાય તેને અટકાવવા તેમજ ફીશરમેનોને આવી ગેરકાયદેસર પ્રવૃતિઓથી સજાગ રહેવા અને જાગૃતિ લાવવા કોસ્ટગાર્ડની સાથે રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ જાહેર જગ્યાએ મોટા હોર્ડિંગ્સ લગાડી વ્યસન મુક્તિ અંગે પ્રજામાં જાગૃતિ લાવવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મોરબી જીલ્લાને વ્યસન મુક્ત બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ સંચાલકો તથા ટ્રકોના ડ્રાઈવરોને નેશનલ હાઈવે પાસે હોટલ ધાબા ઉપર મળી આ નાર્કોટિક્સ પ્રવૃતિથી દુર રહેવા તેમજ આવી પ્રવૃતીની માહીતી મળ્યે કંટ્રોલના મો. નં. 7433975943 પર જાણ કરવા જણાવવામાં આવ્યું હતું.