ચીન-યુરોપીયન દેશો સહિતના દેશોના અનેક રાષ્ટ્રોમાં સર્જાયેલી દુષ્કાળની હાલતને પગલે આવતા દિવસોમાં હવે અંધારપટ સર્જાવાનો પણ ખતરો ઉભો થયો છે. જળસ્તર ઘટી જવાને કારણે વિજ ઉત્પાદન ઘટવા લાગ્યું છે. ચીન જેવા દેશોએ તો અત્યારથી જ કરકસરના પગલા શરુ કરી દીધા છે.
બ્રિટનમાં નદીઓ સૂકાઈ જવાને કારણે જળ વિજ ઉત્પાદન 50 ટકા ઘટી ગયું છે. અણુ ઉર્જા મારફત સપ્લાયને સરભર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશમાં 50 ટકા વિજ ઉત્પાદન જળસ્ત્રોતોમાં ઉભા કરાયેલા વિજ ઉત્પાદન એકમો મારફત થતું હોય છે.
- Advertisement -
અણુ ઉર્જા મારફત સૌથી વધુ વિજ ઉત્પાદન કરનારો દેશ ફ્રાંસ છે. નદીઓના જળસ્તર નીચા આવતા રોનગેઇરોનમાં અણુ ઉર્જા આધારિત વિજ ઉત્પાદનમાં કાપ આવ્યો છે. નદીઓના પાણી એટલા ગરમ થઇ ગયા છે કે અણુ સંયંત્રોને ઠંડા કરવામાં મુશ્કેલી થઇ રહી છે. 56 અણુ ઉર્જા સંયંત્રોમાંથી ડઝનબંધ સંયંત્ર મેઇન્ટન્સના નામે બંધ કરી દેવામાં આવ્યા છે.
ઇટલીમાં પો નદીમાં જળસ્તર છેલ્લા વર્ષોની સરેરાશ કરતાં 50 ટકા ઓછું થઇ ગયું છે.ઉર્જા કંપની એલેને મિલાનના વિજ મથકને બંધ કરી દીધું છે. ઇટલીમાં જેટલા પણ જળસ્ત્રોત આધારિત વિજ મથકો છે તે સંપૂર્ણ કાર્યક્ષમતાથી ઉત્પાદન કરી શકતા નથી. ગત વર્ષની સરખામણીએ જળસ્ત્રોત આધારિત વિજ ઉત્પાદન યુનિટોમાં વિજળી ઉત્પાદન 40 ટકા ઘટી ગયું છે.
વિજળીની મોટાપાયે નિકાસ કરતું નોર્વે પણ નિકાસ પર નિયંત્રણો મૂકવાની તૈયારી કરી રહ્યું છે. જળ સંસાધન અને ઉર્જા મંત્રાલયનાં રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે 137.9 ટેરાબાઈટ વિજળીનું ઉત્પાદન થયું હતું જે આ વર્ષે શક્ય બને તેમ નથી. ગત વર્ષે જળાશયોમાં 77.7 ટકા પાણી હતું પરંતુ આ વર્ષે માત્ર 50.4 ટકા જ છે.
- Advertisement -
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વિજ સંકટ ગંભીર બનવાના સંજોગોમાં આવતા મહિનાઓમાં વેપાર-ઉદ્યોગ પણ પ્રભાવિત થઇ શકે છે અને ઉત્પાદન ઠપ્પ થવાના સંજોગોમાં અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડવાનો ખતરો સર્જાશે. વિજળીના ભાવમાં પણ મોટો વધારો થવાની ભીતિ છે. રશિયા તરફથી ગેસ ન મળવાના સંજોગોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. અને સમગ્ર વિશ્ર્વ પર સીધી કે આડકતરી અસર સર્જાશે.