ખાસ-ખબર સંવાદદાતા
હળવદ-મોરબી હાઇવે પર ઠેર ઠેર ખાડાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ રોડ ફોરલેન બનવાનો હોય અને ટેન્ડર પ્રક્રિયામાં હોય તેવા સમાચારો પણ મળ્યા હતાં પરંતુ ત્યાં સુધી ખાડાનું સમારકામ કરાવવા લોકમંગણી ઉઠી છે જેથી કરીને વાહનચાલકોને મુશ્કેલી ન સર્જાય.
હળવદ મોરબી હાઇવે પર દરરોજના હજારો વાહનો પસાર થાય છે અને મોરબી સિરામીક સિટી હોય અને ટ્રકો પસાર થતી હોય તેમજ આ રોડ પર અનેક ગામડાઓ પણ આવેલા છે જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
- Advertisement -
મોરબી હળવદ હાઈવે પર અનેક ગામો આવેલા છે અને ખરીદી તેમજ અન્ય કામો માટે આ જ રોડ મુખ્ય હોય જેથી કરીને વાહનચાલકોને અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ખાડાવાળા રોડ પરથી જ પસાર થવું પડે છે જેના કારણે કમરના મણકા ખસી જાય અથવા અકસ્માત સર્જાય તેવી ભયાવહ સ્થિતિ ઉદભવી છે જોકે આ રોડ ફોરલેન બનવાનો હોય તેવા સમાચારો પણ મળ્યા હતા.
પરંતુ ત્યાં સુધી વાહનચાલકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાબદાર તંત્ર પાછી પાની ન કરે અને સત્વરે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે જોકે આ રોડ પર અવાર નવાર ખાડાઓના કારણે અકસ્માત સર્જાતા હોય છે અને વાહનચાલકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે ત્યારે આવા રોડના ખાડા પુરવા જરૂરી બન્યા છે પરંતુ માત્ર નેતાઓની ખાતરદારી માટે ખાડાઓ પુરતુ તંત્ર ક્યારેક નાગરિકોની સલામતી માટે ખાડાનું સમારકામ કરે તેવી લોકચર્ચા છે.