ગાંધી જયંતિએ શિક્ષકોએ રેલી કાઢી રામધૂન બોલાવી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે ઘઙજ લાગુ કરવા ગાંધીજીની વેશભૂષા ધારણ કરી રેલી યોજી રામધૂન બોલાવી, ધરતીમાતાનું તિલક કરી જ્યાં સુધી જૂની પેન્શન યોજના ચાલુ ન કરાઇ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે આજે તારીખ બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી છે. આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે આજે તા. 2 ઓક્ટોબર 2023 ના રોજ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી તેમજ અન્ય સત્યાગ્રહીઓની વેશભૂષા ધારણ કરી, રામધૂન બોલાવી, માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરી, દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ઓપીએસ લાગુ કરવા માટેના સૂત્રોચ્ચાર કરવા, વક્તવ્યો આપવા જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી સરકાર સમક્ષ કર્મચારીઓની માંગણીઓ રજૂ કરી હતી. આ ઉપરાંત દશ જેટલા શિક્ષકો મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે સભા-રેલીમાં આગળ રહ્યા હતા અને પાછળ બહોળી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓ દેશભક્તિના ગીતો ગાતા, ઘઙજ લાગુ કરવાના નારા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી અને માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરીને માંગણીઓ બુલંદ કરવામાં આવી હતી.