મોતની ગેરકાયદે ખાણો યથાવત અને બ્લેક ટ્રેપના ખનન પર દરોડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસો, રેતી, પથ્થર, સફેદ માટી બ્લેક ટ્રેપ સહિતના ખનીજનો ભરપૂર ભંડાર હોવાની ખનિજ માફિયાઓને ડોળો હંમેશા જિલ્લાના ખનિજ પર હોય છે જેના લીધે અહી બેફામ ખનિજ ચોરી પણ સામાન્ય થઈ ચૂકી છે ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટના રાજીનામા બાદ જાણે જિલ્લાના ખનિજ માફિયાઓને કોઈ રોકવા વાળું રહ્યું ન હોય તે પ્રકારે ખુલ્લેઆમ ચાલતી ખનિજ ચોરી પર નાટ્યાત્મક રૂપે ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેર અને તેઓની ટીમ દ્વારા સાયલા ખાતે ચાલતા બ્લેક ટ્રેપના ગેરકાયદેસર ખનન પર દરોડો કર્યો હતો. ગત 10 જાન્યુઆરીના રોજ સવારે ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેર અને ખનિજ વિભાગની ટીમ દ્વારા સાયલા તાલુકાના સુડામદા ગામે ચાલતા ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ના ખનન પર દરોડો કરી એક મશીન તથા ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો આ કામગીરી એટલા માટે નાટ્યાત્મક ગણી શકાય કારણ કે જે પ્રકારે ખનિજ વિભાગની ટીમ બ્લેક ટ્રેપના ખનન પર દરોડા કરી રહ્યું છે તેનાથી વધુ નુકશાન દાયક અહી ધમધમતી કોલસાની ખાણો છે કારણ કે કોલસાની ખાનીમાં અનેકોનાં જીવ ગયા છે અને હજુય કેટલાક શ્રમિકોના જીવો જોખમમાં મુકાયા છે સાથે જ થાનગઢ અને મુળી સહિતના પંથકમાં થતી ગેરકાયદેસર સફેદ માટી અને કોલસાના ખનન બેરોકટોક અને ખુલ્લેઆમ ચાલે છે જેના સામે ખનિજ વિભાગ એક્શન મોડ પર ક્યારેય આવતું નથી જેના લીધે ખનિજ વિભાગની કામગીરી છેલ્લાં કેટલાય સમયથી શંકાના દાયરામાં છે જેની સામે ખંજજ વિભાગે પોતાની કામગીરી દર્શાવવા માટે સાયલા ખાતે બ્લેક ટ્રેપના ગેરકાયદેસર ખનન પર દરોડો કરી નાટ્યાત્મક રૂપે કામગીરી દર્શાવી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે જે પ્રકારે સાયલા ખાતે ખનિજ વિભાગે મેગા ઓપરેશન માફક કામગીરી કરી તે પ્રકારે જો થાનગઢ અને મુળી ખાતે ચાલતી મોતની ખાણોમાં થાય તેવી માંગ ઉઠવા પામી છે.