79 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ બેસ્ટ બ્રાન્ચ અને રાજ્ય કક્ષાએ બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ મળ્યો: ડૉ. અતુલ પંડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના તબીબી જગત માટે ગૌરવવંતી ઘટના બની છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન-રાજકોટના 79 વરસના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટ બ્રાન્ચને રાષ્ટ્રીય કક્ષાએ બેસ્ટ બ્રાન્ચ 2023નો એવોર્ડ મળ્યો છે અને સૌરાષ્ટ્રમાં પ્રથમ મહિલા તબીબ ડો. દર્શનાબેન પંડ્યાને રાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓ માટે સેવાકીય પ્રવૃત્તિ માટેનો એવોર્ડ મળ્યો છે એમ ઈન્ડિયન મેડીકલ એસોસિએશન રાજકોટના પ્રેસિડેન્ટ ડો. પારસ શાહ અને સેક્રેટરી ડો. સંજય ટીલાળાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
ડો. પારસ શાહ અને ડો. સંજય ટીલાળાના જણાવ્યા અનુસાર રાજકોટમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની બ્રાન્ચની 1944માં સ્થાપના કરવામાં આવી છે. આજે 79માં વરસે પ્રથમ વખત ઈન્ડિયન મેડીકલ એસોસીએશન- નવીદિલ્હી હેડ કવાર્ટર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે બેસ્ટ બ્રાન્ચ 2023ના એવોર્ડ માટે રાજકોટ બ્રાન્ચની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. 27મી ડિસેમ્બરે ત્રિવેન્દ્રમ ખાતે યોજાનારી ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજકોટ બ્રાન્ચના હોદ્દેદારોને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની ગુજરાતની 115 જેટલી બ્રાન્ચ સહિત દેશભરમાં 32 રાજ્યમાં 1796 બ્રાન્ચમાં અંદાજે પાંચ લાખથી વધુ એમ.બી.બી.એસ. તથા તેથી વધુ ભણેલા એલોપેથિક તબીબો સભ્ય છે. એલોપેથિક તબીબોની વિશ્ર્વની સૌથી મોટી એન.જી.ઓ. તરીકે ઈન્ડિયન મેડીકલ એસોસિએશન કાર્યરત છે. આમ લાખો તબીબોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં રાષ્ટ્રીય કક્ષાએ સેવાકીય પ્રવૃત્તિઓ માટે બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ રાજકોટ બ્રાન્ચને મળતાં રાજકોટના તબીબી જગત માટે ગૌરવવંતી ઘટના છે. આઠ દાયકા જેટલા સમયથી રાજકોટ બ્રાન્ચ કાર્યરત છે. પ્રથમ વખત રાજકોટ બ્રાન્ચને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા દર વરસે દેશભરની તમામ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી સામાજિક, સેવાકીય, તબીબો માટેની વિવિધ પ્રવૃત્તિ વગેરેને ધ્યાનમાં રાખી બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ આપવામાં આવે છે.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન- ગુજરાતના સેક્રેટરી ડો. મેહુલ શાહે જણાવ્યું હતું કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશન-રાજકોટ દ્વારા તબીબો, તેમના પરિવારજનો અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તબીબોની ચિંતા કરવા સાથે સમાજ પ્રત્યેની પોતાની ફરજો પણ સુપેરે બજાવી રહ્યા છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન રાજકોટની ટીમ દ્વારા અનેક પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ વરસે રાષ્ટ્રીય કક્ષાએ આઈ.એમ.એ. દ્વારા ‘આઓ ગાઉ ચલે’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં છેવાડાના ગામના લોકો સુપર સ્પેશ્યાલિસ્ટ કે સ્પેશ્યાલિસ્ટ તબીબો સુધી પહોંચી શકતાં ન હોય એવા લોકોને તેમના ઘરઆંગણે સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો સેવા આપવા જઈ રહ્યા છે. રાજકોટની ટીમ દ્વારા જાલીડા સહિત બે ગામ દત્તક લેવામાં આવ્યા છે. આ બંને ગામમાં વિનામૂલ્યે નિદાન કેમ્પ, વ્યસન મુક્તિ, બીમારીથી બચવા શું કાળજી રાખવી, એ બાબત લોકોને જાગૃત કરતાં સેમિનારો વગેરે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના રાષ્ટ્રીય સેક્રેટરી ડો. અનિલકુમાર નાયકે સંસ્થા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે લોકોની તબિયતનો ખ્યાલ રાખતાં તબીબોની તંદુરસ્તીનો ખ્યાલ રાખવાના ઉમદા ધ્યેય સાથે તેમણે તબીબો અને તેમના પરિવારજનો શારીરિક, માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે યોગ શિબિર, વિપશ્યના ધ્યાન શિબિર, ઈન્ડોર અને આઉટડોર રમતગમતોની સ્પર્ધા વગેરે આયોજનો કર્યા છે. રાજકોટની તબીબો મેડીકલ ક્ષેત્રે સતત અપડેટ રહી વિશ્ર્વ કક્ષાની સારવાર રાજકોટ, સૌરાષ્ટ્રના લોકોને આપી શકે એ માટે તબીબોની જ્ઞાનની વૃદ્ધિ થાય એવા અનેક સેમિનારોનું આયોજન કર્યું હતું. તેમણે કેન્સર, લોહીના રોગ, મેદસ્વીતા, પેટ- આંતરડાના રોગ, કીડનીના રોગ, થાઈરોઈડ, હૃદયરોગ, મગજ અને કરોડરજ્જુના રોગ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, યુરોલોજી સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબોના લેકચર ગોઠવી રાજકોટના તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવા પ્રયાસો કર્યા છે.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન-રાજકોટના પ્રેસિડેન્ટ ડો. પારસ શાહ અને સેક્રેટરી ડો. સંજય ટીલાળાના સમયગાળા દરમિયાન રાજકોટના તબીબોની રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નિમણુંક થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટના પાંચ તબીબો ડો. અતુલ પંડ્યા, ડો. ભાવિન કોઠારી, ડો. સંજય ભટ્ટ, ડો. હીરેન કોઠારી અને ડો. સ્વાતિબેન પોપટની વિવિધ કમિટીમાં નિમણુંક થઈ છે. ગુજરાત કક્ષાએ ઉપપ્રમુખ તરીકે ડો. ભાવેશ સચદે ઉપરાંત વિવિધ કમિટીમાં ડો. અમિત અગ્રાવત, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ચેતન લાલસેચા, ડો. દિપેશ ભાલાણી, ડો. જય ધિરવાણી, ડો. તેજસ કરમટા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. પિયુષ ઉનડકટ, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. રશ્મી ઉપાધ્યાય વગેરેની નિમણુંક થઈ છે.
ડો. પારસ શાહ અને ડો. સંજય ટીલાળાના કાર્યકાળ દરમિયાન બેસ્ટ બ્રાન્ચના એવોર્ડ માટે રાજકોટ બ્રાન્ચની પસંદગી થતાં શુભેચ્છાની વર્ષા થઈ રહી છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન-રાજકોટના આઈ.પી.પી. ડો. સંજય ભટ્ટ, પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડો. કાંત જોગાણી, ઉપપ્રમુખ ડો. મયંક ઠક્કર, ડો. તેજસ કરમટા, એડિટર ડો. અમી અગ્રાવત, ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, જોઈન્ટ ટ્રેઝરર ડો. દર્શન સુરેજા સહિતના ડોકટર્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં
આવી રહી છે.