આપણે અધ્યાત્મનો એકડો પણ ઘૂંટયો ન હોય તો આ વાત સમજવી અને સ્વીકારવી અશક્ય છે
ડૉ.શરદ ઠાકર
- Advertisement -
તારીખ 14 એપ્રિલ, 1950ની વાત છે. નૈનિતાલથી 17-18 કિલોમીટર દૂર આવેલા કૈંચીધામ આશ્રમમાં બિરાજમાન એક યોગી પુરુષ અચાનક વ્યથિત બની ગયા. એ જ્યાં કામળો ઓઢીને સુતા હતા તે ઓરડામાં એમનો એક ભક્ત પણ હાજર હતો. સંત ધીમેથી બબડ્યા, “પૂરન, એને બઉ તરસ લાગી છે. ભાઈ, એને થોડુંક પાણી તો આપ.”
પૂરનને સમજાયું નહીં કે સંત કોના વિશે વાત કરી રહ્યા હતા. એ ભોળિયાને એવું લાગ્યું કે સંતને ખુદને તરસ લાગી છે. એ પાણીનું પાત્ર ભરીને સંત પાસે આવ્યો અને એમના ખુલ્લા મોઢામાં પાણી રેડવા લાગ્યો. એક-બે ઘૂંટડા પાણી પીધા પછી સંત પડખું ફરી ગયા. એ પછી એ આટલું બોલ્યા, “પૂરન, તે પુણ્યનું કામ કર્યું, રમણ ગયા. ભારતના આધ્યાત્મિક આકાશનો સૌથી તેજસ્વી સિતારો ચાલ્યો ગયો.”
બીજા દિવસના અખબારોમાં સમાચાર વાંચવા મળ્યા : ‘ભારતના મહાન આધ્યાત્મિક સંત શ્રી રમણ મહર્ષિનું શરીર ગઈ કાલે શાંત થઈ ગયું.’
અખબારોમાં પૂજ્ય રમણ મહર્ષિના મૃત્યુનો સમય જાહેર થયો હતો એ બરાબર એ જ હતો. જે પેલા સંતના મુખેથી પૂરનને સાંભળવામાં આવ્યો. તે સંતનું નામ નીમકરોલી બાબા. પૂજ્ય રમણ મહર્ષિનું દેહાવસાન દક્ષિણ ભારતના તિરુવન્નામલાય ખાતે શ્રી રમણાશ્રમમાં થયો હતો અને નીમકરોલી બાબા ત્યાંથી હજારો કિલોમીટર દૂર આવેલા નૈનિતાલ નજીકના આશ્રમમાં સ્થિત હતાં. તેમને આ સમાચાર જાણે લાઈવ ટેલિકાસ્ટ જોતા હોય તે રીતે મળી ગયા હતા.
વિજ્ઞાન આ ઘટનાને સમજાવી નહિ શકે. ભારતીય અધ્યાત્મના વિશ્વમાં આવી અસંખ્ય ઘટનાઓ નોંધાયેલી પડી છે. 19મી સદી ભૌતિક શાસ્ત્રના મતે પદાર્થ (મેટર)ની હતી. 20મી સદી અણુ (એટમ)ની હતી. 22મી સદીનું વિજ્ઞાન ઉર્જાને સ્વીકારે છે. ભારતના મહાન સિદ્ધપુરૂષો ઉર્જા દ્વારા એવું ઘણું-બધું કરી શકતા હતા જે તે સમયનું ભૌતિક વિજ્ઞાન જાણતું ન હતું.
પરમહંસ યોગાનન્દ બાબા તેમના પુસ્તકમાં લખી ગયા છે કે લાહેરી મહાશય એક જ સમયે બે અલગ-અલગ સ્થાનોમાં ઉપસ્થિત રહી શકતા હતાં. આપણે અધ્યાત્મનો એકડો પણ ઘૂંટયો ન હોય તો આ વાત સમજવી અને સ્વીકારવી અશક્ય છે.