ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખોની ફાઇનલ યાદી જાહેર
ફરી કોથળામાંથી બિલાડું નીકળ્યું: રાજકીય પંડિતોની તમામ અટકળો ખોટી પડી
- Advertisement -
રાજકોટ જિલ્લામાં અલ્પેશ ઢોલરીયાને ફરી પ્રમુખ પદની જવાબદારી મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેની નિમણૂક કરી દેવામાં આવી છે. રાજ્યમાં તમામ જિલ્લાના શહેરના પ્રમુખોની યાદી જાહેર કરી દેવાય છે ફરી એક વખત ભાજપે આશ્ચર્ય સર્જી લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે. જે પ્રકારે શહેર અને જિલ્લા ના પ્રમુખોના નામની યાદી આવી હતી, તેમાં અમુક ચોક્કસ વ્યક્તિઓ પ્રમુખ બનશે તેવી ધારણાઓને ફરી ભાજપે ખોટી પાડી છે. આજે સાંજના ઢોલ નગારા સાથે તમામ તૈયારીઓ કરી પ્રભારી સાંસદ મયંક નાયક કવર ખોલી નામની જાહેરાત કરવાના હતા, પરંતુ તે સસ્પેન્સ હવે રહ્યું નથી. તમામ અસમનજસ અને અટકળોનો અંત આવ્યો છે. હવે સાંજે ફક્ત સત્તાવાર જાહેરાત થવાની જ બાકી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર માધવ દવેને રાજકોટ શહેર ભાજપ તરીકેની જવાબદારી મળી છે. જોકે આ સિવાય ભાજપના મોટા નેતાઓએ પણ પ્રમુખ પદના દાવેદાર માટે ફોર્મ ભર્યા હતા. તમામ નામો પર ભાજપના મોવડી મંડળે ગહન વિચારમાં કરી રાજકોટ શહેરમાં માધવ દવેને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. જો કે સત્તાવાર જાહેરાત આજે રાત્રે થશે.
- Advertisement -
5 પ્રમુખ ધો. 10 પાસ, 3 પ્રમુખ ધો. 12 પાસ
ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી, જેમ કે, વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.
યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. મોટાભાગના પ્રમુખ સંઘ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જાહેર કરાયેલા પ્રમુખોમાં પાંચ પ્રમુખ એવા છે જે ફક્ત ધોરણ 10 પાસ છે, જ્યારે ત્રણ પ્રમુખ ધોરણ 12 પાસ છે. બાકીના ઘણા પ્રમુખ સ્નાતક, અનુસ્નાતક છે. તો કોઈ ડબલ ડીગ્રી ધરાવે છે.