ફોર્મ પરત ખેંચવાનો કાલે છેલ્લો દિવસ: પોતાના બળે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાતાની બેઠક પર સેનેટની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે અગાઉ ડો. નેહલ શુક્લએ આશ્ચર્યજનક રીતે બુધવારે ડોનરની સીટ ઉપર સ્વતંત્ર રીતે ફોર્મ ભર્યા બાદ ગુરુવારે પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. કલાધર આર્યએ પણ દાતાની બેઠક પર ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવતા યુનિવર્સિટીના સત્તાધીશો અને ભાજપના હોદ્દેદારો પણ માથું ખંજવાળતા થયા છે.
- Advertisement -
અગાઉ ભાજપે માત્ર બે જ ઉમેદવારના નામ સેનેટની દાતાની બેઠક માટે જાહેર કાર્ય હતા જેમાં એક પૂર્વ શિક્ષણમંત્રીના પુત્ર દક્ષ ત્રિવેદી અને સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાનો સમાવેશ થાય છે, પરંતુ ત્યારબાદ બે દિવસમાં ભાજપ સિવાયના મૂળ પાર્ટીના જ કાર્યકર્તાએ પોતાના બળે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું છે. ફોર્મ પરત ખેંચવાનો 22મીએ છેલ્લો દિવસ છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને તબલા સમિતિના સભ્ય પદેથી દૂર કરાયા બાદ જેમને યુનિવર્સિટીમાં પ્રવેશ કરવા પર પાબંધી ફરમાવી છે એવા ડો. કલાધર આર્યએ પણ દાતાની બેઠક પર ચૂંટણી લડવા ગુરુવારે ફોર્મ ભર્યું હતું.
પોતાને યુનિવર્સિટીમાં પ્રવેશ નહીં હોવાથી ડો. આર્યએ તેમના પુત્રને ફોર્મ જમા કરાવવા માટે મોકલ્યો હતો. પિતાનું ફોર્મ જમા કરાવવા જ્યારે પુત્ર યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે યુનિવર્સિટીના હાજર અધિકારીઓએ ફોર્મ લેવા ઇનકાર કરી દીધો હતો અને ઉમેદવારે રૂબરૂ ફોર્મ ભરવા આવવું પડે તેવી દલીલ કરી હતી, પરંતુ બાદમાં ડો. આર્યનું ફોર્મ સ્વીકાર્યું હતું. ડો. કલાધર આર્યએ જણાવ્યું હતું કે, ચૂંટણી હું સ્વબળે લડું છું, ફોર્મ પરત ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી, ફોર્મ પરત નહીં જ ખેંચું. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે મેં અવાજ ઉઠાવતા સસ્પેન્ડ કરાયો.