એસ્ટ્રાજેનેકાએ કોર્ટમાં આપેલા નિવેદનની જાણો શું છે હકીકત?
કોવિશિલ્ડની રસી લીધેલા લોકોએ ડરવાની જરૂર નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
ગઇકાલ સવારથી એક વિષય જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. મીડિયામાં એસ્ટ્રાજેનેકા અને કોવિશિલ્ડના નામની હેડલાઈન્સ જોવા મળી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ કોવિશિલ્ડ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ બધા પાછળનું કારણ છે કોરોના સામે રક્ષણ આપતી દવાઓ બનાવનાર બ્રિટીશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકા અને તેણે તાજેતરમાં બ્રિટનની એક કોર્ટમાં આપેલું નિવેદન કે તેમણે બનાવેલી કોરોનાની રસીની કેટલીક આડઅસર થઇ શકે છે.
કંપનીએ કોર્ટમાં જેવી આ વાત કરી, તે ચર્ચાનો વિષય બની ગયો. ખાસ કરીને ભારતમાં આ વિષય પર અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટની ભરમાર થવા લાગી. કારણકે કોરોના સામે રક્ષણ આપવા બનાવવામાં આવેલી ‘કોવિશિલ્ડ’ રસી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની સિરમ ઇન્સ્ટીટયુટે એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી હતી. બ્રિટીશ કોર્ટમાં એક કેસને લઈને એસ્ટ્રાજેનેકાએ કોર્ટમાં એડમિટ કર્યું હતું કે તેમણે બનાવેલી કોરોનાની રસીથી રેર કેસમાં થ્રોમ્બોસાઈટોપેનીયા સિન્ડ્રોમ (TTS) જેવી આડ અસર થઈ શકે છે. કેસમાં કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમની દવાથી રેર કેસમાં કેટલીક આડઅસર થાય છે, જેમાં બ્લડ ક્લોટિંગ બાદ હૃદયનો હુમલો કે બ્રેઈન સ્ટ્રોકન આવી શકે છે.
- Advertisement -
કંપનીએ કોર્ટમાં આ વાત કર્યા બાદ હોબાળો મચી ગયો, સમાચારોમાં ધડાધડ લખાવા મંડાયું કે ‘કોવિશિલ્ડ રસીથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે’. બીજી તરફ આ પ્રકારના અહેવાલોથી સામાન્ય જનતા અવઢમાં મુકાઈ ગઈ. લોકો વાસ્તવિકતા જાણવા સોશિયલ મીડિયા અને સમાચારો ખંગાળી રહ્યા છે. જોકે આવા સમયે લોકોમાં ચિંતા ઉદ્ભવે તે સ્વભાવિક છે, કારણકે દેશમાં મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ રસી મુકાવી છે. આ ચિંતા ક્યારે ઘટે? ત્યારે જયારે લોકોને ખબર પડે કે ખરેખર એસ્ટ્રાજેનેકા કંપનીએ કોર્ટમાં શું કહ્યું છે. પેનિક થવાની જગ્યાએ લોકોએ તે બાબત પર ધ્યાન આપવાની જરૂર છે કે વાસ્તવમાં કંપનીએ કોર્ટમાં શું કહ્યું છે.
એસ્ટ્રાઝેનેકાએ આગળ જણાવ્યું કે, અનેક સ્વતંત્ર સ્ટડીઝમાં વેક્સીનને કોરોના સામે લડવામાં ખૂબ જ કરગર માનવામાં આવી છે. તેવામાં કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તે સ્ટડીઝ પર ધ્યાન આપવું જરૂરી છે. રસીના સાઈડ ઈફેક્ટ ખૂબ જ દુર્લભ છે. દર્દીની સુરક્ષા અમારા માટે સર્વોપરી પ્રાથમિકતા છે. અમારી દવાઓ ઉચિત માનકો પર ખરી ઉતરી છે અને અમે રસી સહિતની તમામ દવાઓના સુરક્ષિત ઉપયોગને સુનિશ્ચિત કર્યો છે.
કંપનીએ કોર્ટમાં આગળ કહ્યું છે કે, એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ વેક્સીનના ટ્રાયલ અને વિશ્ર્વભરમાં તેની સ્વીકૃતિથી તે જાણી શકાય છે કે રસીકરણથી લાભ થયો છે, જે વેક્સીનના સંભવિત સાઈડ ઈફેક્ટના જોખમની વાતને ઓછું કરે છે. કોવિડ મહામારી સામે આ જ રસીની મદદથી વિશ્ર્વભરમાં 60 લાખ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.
એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં દાખલ કરેલા લીગલ પેપર્સમાં ભારપૂર્વક કહ્યું છે કે, વેક્સીન મુકાવ્યા બાદ અનેક પ્રકારની સમસ્યાઓનો દાવો કરી રહેલા લોકોની સ્થિતિથી કંપની ચિંતિત છે. પરંતુ આમે હજુ પણ અમારા દાવા પર કાયમ છીએ કે તેના સાઈડ ઈફેક્ટ અતિ થી અતિ દુર્લભ (રેરેસ્ટ ઓફ ધ રેર કેસ) છે જે સામે આવ્યા છે.
ઇન્ડીયન એક્સ્પ્રેસ દ્વારા આપવામાં આવેલા રીપોર્ટ અનુસાર કંપનીએ જે વાત કરી, તે મુજબ જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ (WHO) પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર WHOએ કહ્યું છે કે, આ રસી 18 વર્ષ કે તેથી વધુની ઉંમરની વ્યક્તિઓ માટે સુરક્ષિત અને કારગર હતી અને જે સાઈડ ઈફેક્ટના કારણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે રેસ્ટ ઓફ ધ રેર કેસ છે.
થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ જેવા આડઅસરના એક પણ કેસ નહીં- સિરમ ઇન્સ્ટિટયુટ
બીજી તરફ ટાઈમ્સ નાઉ દ્વારા પણ આ મુદ્દે એક રીપોર્ટ આપ્યો છે, જેમાં સિરમ ઇન્સ્ટીટયુટના સુત્રોને ટાંકીને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસ્ટ્રાઝેનેકાએ એક કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની કોવિડ વેક્સીનના કેટલીક દુર્લભ આડઅસર થઈ શકે છે. જેના કારણે ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ રીપોર્ટ પર પ્રતિક્રિયા આપતા સિરમ ઇન્સ્ટીટયુટના સુત્રોએ ટાઈમ્સ નાઉને જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધી આવી આડઅસરનો એક પણ કેસ જોવા નથી મળ્યો. આ અહેવાલમાં જ આગળ સુત્રોને ટાંકીને જણાવાયું છે કે, સુત્રોએ આગળ જણાવ્યું કે, કોર્ટમાં સાઈડ ઈફેક્ટની વાત સ્વીકારવી તે કોઈ નવી વાત નથી.
તે હંમેશા સાર્વજનિક ડોમેઈનમાં રહે જ છે. રાંચી રિમ્સના ન્યુરો સર્જન ડો. વિકાસ કુમારે જણાવ્યું હતું કે અમેરિકન સોસાયટી ઑફ હેમેટોલોજીના પ્રકાશન મુજબ, રસીથી થતી આડઅસરોનું જોખમ 10 લાખમાંથી માત્ર 3થી 15 લોકોને જ છે. તેમાંથી પણ 90% સાજા થાય છે. આમાં મૃત્યુની સંભાવના માત્ર 0.00013% છે. તેનો અર્થ એ કે 10 લાખમાંથી 13ને આડઅસર છે, તેથી તેમાંથી માત્ર એક જ જીવલેણ જોખમ ધરાવશે.
લગભગ તમામ દવાઓની કોઈના કોઈ સાઈડ ઈફેક્ટ હોય છે તે છે જગજાહેર
અહીં તે નોંધવું પણ જરૂરી બની જાય છે કે હાલ બજારમાં મળતી કોરોના સિવાયની પણ લગભગ મોટાભાગની દવાઓ કોઈ એક રોગ માટે ચોક્કસ સારી હશે, પરંતુ બીજી તરફ વત્તાઓછા પ્રમાણમાં તેની કોઈ ને કોઈ સાઈડ ઈફેક્ટ હોય જ છે.
દવાઓ બનાવતી કંપનીઓ પણ પોતાના પબ્લિક ડોમેઈનમાં આ પ્રકારની માહિતી સ્પષ્ટ પણે રાખતી જ હોય છે. બજારના કોઈ પણ મેડીકલ સ્ટોર પર કોઈ પણ ચિઠ્ઠી-ચબરખી વગર સરળતાથી મળી જતી તાવ-કળતર-માથાની ટીકડીઓ બનાવતી કંપની ગૂગલ પર સર્ચ કરશો તો ત્યાં પણ તેની સાઈડ ઈફેક્ટ દર્શાવેલી જ હોય છે.
આટલું જ નહીં, જે દવાઓ ખૂબ સરળતાથી મળી જાય છે તેવી અનેક દવાઓ છે જે લાંબાગાળે માણસના લીવર, કિડની જેવા અનેક મહત્વપૂર્ણ અંગો પર માઠી અસર કરી શકે છે. આ માહિતી જે-તે દવા બનાવતી કંપનીઓ પોતાના પબ્લિક ડોમેઈનમાં જગજાહેર તરીકે રાખે છે. આથી કોઈ દવા બનાવતી કંપની તેવું સ્વીકારે કે તેમની દવાથી વત્તાઓછા પ્રમાણમાં સાઈડ ઈફેક્ટ થાય છે, તો તે સર્વસામાન્ય વાત છે. તેનાથી ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી. તે ન ભૂલવું જોઈએ કે કોઈ પણ રસી કે દવા ત્યારે જ બજારમાં આવી શકે, જયારે તે નક્કી કરેલા માપદંડો સામે ખરી ઉતરે.
અઠવાડિયામાં બે દિવસ એકટાણું રાખવું જોઇએ
અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિક ડો.રામ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનું મેટાબોલિઝમ સરખું હોતું નથી. કેટલાક માટે રસીની આડઅસર શૂન્ય છે અને અન્ય માટે તે 100% છે. તેથી જ રસીથી મૃત્યુનું જોખમ 10 લાખમાંથી માત્ર એક જ છે. હવે પ્રશ્ન એ છે કે આગળ તમારી સંભાળ કેવી રીતે રાખવી? જવાબ છે- ઓટોફેજી. એટલે કે અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ. આમાં દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું હોય છે.