ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં થનારા મહામુકાબલા પર તોળાતા સંકટ વચ્ચે હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ મેદાનમાં આવ્યું છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને તેના જૂના અહેસાન યાદ અપાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત સામેના બહિષ્કારનો નિર્ણય માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ નાના એસોસિએટ દેશોની આર્થિક સ્થિતિને પણ જોખમમાં મૂકી શકે છે.
‘ક્રિકેટ ઇકોસિસ્ટમ’ જોખમમાં: UAEનો પાકિસ્તાનને પત્ર
- Advertisement -
અહેવાલ મુજબ, એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને ‘ક્રિકેટ પરિવારનો મહત્ત્વનો સભ્ય’ ગણાવતા કહ્યું કે, જ્યારે કોઈ મોટો દેશ પાકિસ્તાનમાં રમવા તૈયાર નહોતો, ત્યારે UAEએ જ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. બોર્ડનું માનવું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં સૌથી વધુ જોવાયેલી મેચ રદ થવાથી વૈશ્વિક દર્શકો અને સ્પોન્સર્સ પર નકારાત્મક અસર પડશે. આ નુકસાન માત્ર મોટા દેશો પૂરતું સીમિત નથી, પણ તેનાથી આખા ક્રિકેટ ઇકોસિસ્ટમને ફટકો પડશે.
શ્રીલંકાએ પણ આપી હતી કડક ચેતવણી
UAE પહેલા યજમાન શ્રીલંકા ક્રિકેટ (SLC) બોર્ડે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પત્ર લખીને પોતાનું વલણ બદલવા અપીલ કરી હતી. શ્રીલંકાએ સંભવિત આર્થિક નુકસાન અને મેચની ટિકિટોના વેચાણ પર થનારી અસરનો હવાલો આપીને પીસીબી પર દબાણ વધાર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાય હવે એકસૂરે પાકિસ્તાનને આગ્રહ કરી રહ્યો છે કે તેઓ રમતગમતની ગરિમા જાળવી રાખે.
- Advertisement -
સોદાબાજીના મૂડમાં PCB
બીજી તરફ, પાકિસ્તાને પીછેહઠ કરવા માટે આડકતરી રીતે સોદાબાજી શરૂ કરી છે. પાકિસ્તાને ICC સામે ત્રણ મુખ્ય માંગણીઓ રાખી છે:
ICC તરફથી મળતા વાર્ષિક ફંડિંગમાં જંગી વધારો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ કરવા માટે ICC હસ્તક્ષેપ કરે.
મેચ દરમિયાન અને મેચ બાદ ‘હેન્ડશેક’ જેવી પરંપરાઓ અને રમતગમતની ભાવના જાળવી રાખવી.
પાકિસ્તાન દબાણમાં…
પાકિસ્તાન સરકાર સાથે પરામર્શ કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પરંતુ UAE જેવી મિત્ર સંસ્થાના કડક વલણ બાદ હવે પાકિસ્તાન પર વહેલી તકે નમતું જોખવાનું દબાણ વધી ગયું છે. આગામી 24 કલાકમાં આ અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.




