હર્ષ સંઘવીનો પોલીસ જવાનોને સંદેશ
ગાંધીનગરમાં બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ
- Advertisement -
31 પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કરાયા
વિવિધ કેટેગરીમાં ઇન્વેસ્ટિગેશન,સ્પેશિયલ ઓપરેશન, દક્ષતા અને જીવન રક્ષા પદકનો સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સના સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી અંગે કડક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ કોઈ અભિયાન નહીં પરંતુ યુવાનો, પરિવાર અને સમાજના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેનો એક જંગ છે. આ જંગમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. નાયબ મુખ્યમંત્રીએ બે દિવસીય કોન્ફરન્સની સફળતા બદલ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા એસપી અને પોલીસ કમિશનરો દ્વારા રજૂ કરાયેલા સંશોધનાત્મક અને નવીન પ્રેઝન્ટેશનોમાં ટેકનોલોજી, ટીમ વર્ક અને નવા અભિગમની સ્પષ્ટ ઝાંખી જોવા મળી છે, જે આગામી સમયમાં પોલીસ તંત્રને નવી દિશા આપશે. સંઘવીએ ખાસ કરીને છેવાડાના વિસ્તારોના ગરીબો, મહિલાઓ, માતાઓ, વૃદ્ધો અને મુશ્કેલીમાં ફસાયેલા નાગરિકો માટે પોલીસને આધારસ્તંભ ગણાવી, નાગરિકો સાથે વધુ સરળતાથી સંપર્ક રાખવાની અપીલ કરી હતી. કર્મચારીઓના અનુભવ અને કુશળતાને માન આપી, ટીમ લીડર તરીકે સાથે રહી કામ કરવાની ભાવના વિકસાવવાની જરૂરિયાત પર ભાર
મૂક્યો હતો.
ડ્રગ્સ સામેની સફળ કાર્યવાહી બદલ અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં સુરતમાં હાઇબ્રીડ ગાંજાની મોટી જપ્તી સહિત વર્ષ 2022ની સરખામણીમાં ડ્રગ્સ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે પોલીસની સક્રિયતાનું પ્રતિબિંબ છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક કોન્ફરન્સથી ગુજરાત પોલીસમાં હકારાત્મક પરિવર્તન આવશે અને કોન્ફરન્સમાં રજૂ થયેલી બેસ્ટ પ્રેક્ટિસીસ રાજ્યની સુરક્ષા માટે માર્ગદર્શક બનશે. સમાપન સમારોહમાં વર્ષ 2022, 2023 અને 2024 દરમિયાન વિશેષ કામગીરી બદલ 31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક, યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલેન્સ ઇન્વેસ્ટિગેશન, સ્પેશિયલ ઓપરેશન એવોર્ડ તેમજ એક મહિલા અધિકારીને જીવન રક્ષા પદક-2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



