અમેરિકાએ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો સાથે સંબંધિત 16 કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા, આ યાદીમાં ચાર ભારતીય કંપનીઓનો પણ સમાવેશ
અમેરિકાએ ઈરાનને નબળું પાડવા માટે તેના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો સાથે સંબંધિત 16 કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. વિગતો મુજબ આ યાદીમાં ચાર ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ પગલું ઈરાન પર પ્રતિબંધોને વધુ કડક બનાવવાના અમેરિકી વહીવટીતંત્રના અભિયાનનો એક ભાગ છે.
- Advertisement -
US ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ઓસ્ટિન શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, BSM મરીન LLP, કોસ્મોસ લાઇન્સ ઇન્ક અને ફ્લક્સ મેરીટાઇમ LLPનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ પ્રતિબંધ પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, જ્યારે ભારતના ઈરાન અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે.
શું કહ્યું US સ્ટેટ ડિપાર્ટમેન્ટે ?
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ કંપનીઓ પર ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો સાથેના તેમના વ્યવસાયિક સંબંધોને કારણે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા આ ગેરકાયદેસર શિપિંગ નેટવર્કને તોડી પાડશે, જે એશિયામાં ખરીદદારોને ઈરાની તેલ વેચવાનું કામ કરે છે.
- Advertisement -
ગેરકાયદેસર શિપિંગ નેટવર્ક અને પ્રતિબંધો
આ સાથે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નેટવર્ક ગેરકાયદેસર શિપિંગ દ્વારા કરોડો ડોલરના મૂલ્યના અનેક બેરલ ક્રૂડ ઓઇલ વેચવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ પગલું રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી ઈરાન પર દબાણ લાવવાની નીતિનો એક ભાગ છે, જે તેલની આવક દ્વારા ઈરાનના આતંકવાદને આર્થિક રીતે નબળા પાડવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આ નવા પ્રતિબંધોની ભારતીય કંપનીઓ પર પણ અસર પડી છે. આ પગલું ઈરાન પર દબાણ વધારવાની અમેરિકાની નીતિનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની આર્થિક પ્રવૃત્તિઓને રોકવા અને તેના આતંકવાદી ભંડોળને રોકવાનો છે.