ટ્રુડોનું વધ્યું ટેન્શન, ભારતને થશે ફાયદો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. તેમણે પોતાની કેબિનેટમાં મંત્રીઓના નામની જાહેરાત કર્યા બાદ હવે મુખ્ય દેશોમાં અમેરિકન રાજદૂતના નામ ફાઈનલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે નાટો અને કેનેડામાં નવા રાજદૂતના નામની જાહેરાત કરી છે, જેના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટેન્શનમાં આવી ગયા છે, જ્યારે ભારતને તેનો ફાયદો થઈ શકે છે.
ટ્રમ્પે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)માં અમેરિકી રાજદૂત માટે કાર્યવાહક એટર્ની જનરલ મેથ્યુ જી.વ્હીટેકરના નામની જાહેરાત કરી છે. જ્યારે કેનેડા માટે પૂર્વ સાંસદ પીટ હોકેસ્ટ્રાનું નામ જાહેર કરાયું છે. આ નામોની જાહેરાત થયા બાદ યુરોપિયન યુનિયન અને ટ્રુડોની મુશ્કેલી વધી શકે છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાઢ સંબંધો હોવાથી કેનેડામાં નવા અમેરિકન રાજદૂતનું ભારતને સમર્થન મળી શકે છે. વ્હીટેકર અને હોકેસ્ટ્રા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધો ધરાવે છે. ટ્રમ્પ પોતાના પ્રત્યે વફાદારી નિભાવી શકે તેવા નામોની પસંદગી કરી રહ્યા છે, તેથી જ યુરોપિયન યુનિયન અને કેનેડા માટે ચિંતા થવી સ્વાભાવિક છે.