મીયામીની ફેડરલ કોર્ટમાં પુર્વ પ્રમુખ સામે મુકદમો ચાલશે: મંગળવારે અદાલત સમક્ષ શરણે થશે
અમેરિકાના પુર્વ પ્રમુખ તથા 2024ની પ્રેસીડેન્ટ ઈલેકશન ફરીથી લડવા માટે તૈયારી કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની કાનુની મુશ્કેલીઓ હવે વધી છે. પ્રમુખપદના ગાળામાં દેશના કલાસીફાઈડ- એટલે કે જેને અત્યંત ગોપનીય શ્રેણીમાં મુકાયા હતા. તેવા દસ્તાવેજ વ્હાઈટ હાઉસ છોડતા સમયે સાથે લઈ જવાના આરોપમાં તેઓની સામે મુકદમો ચાલશે તેવું મીયામની એક ફેડરલ કોર્ટે જાહેર કર્યુ છે. ટ્રમ્પના નિવાસે થોડા સમય પુર્વે દરોડા પાડવામાં આવ્યા હતા તે સમયે આ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા હતા.
- Advertisement -
આ સંબંધમાં મીયામીની એક ફેડરલ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે જે ફરિયાદ દાખલ કરી તે સ્વીકારાઈ છે અને પુર્વ પ્રમુખ ટ્રમ્પ હવે આ કેસમાં ‘આરોપી’ બની ગયા છે. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પુર્વ પ્રમુખને ફેડરલ ચાર્જમાં આરોપી બનાવાયા છે. અગાઉ એક એડલ્ટ-મુવી સ્ટાર્સ સાથેના લફરામાં તેનુ મો બંધ રાખવા બદલ ટ્રમ્પે તેના ધારાશાસ્ત્રી મારફત જંગી રકમ ચૂકવી હતી તે બદલ તેઓની સામેના મુકદમો ચાલ્યો અને તેઓને આ પોર્ન સ્ટારને વળતર ચુકવવાની પણ ફરજ પાડી હતી.
કોર્ટમાં પ્રમુખ પર ‘સાત-કાઉન્ટ’નો અપરાધ છે અને તેઓ હવે આગામી મંગળવારે અદાલત સમક્ષ સરેન્ડર કરશે. તેઓ પર ઈરાદાપૂર્વક રાષ્ટ્રીય- મહત્વના દસ્તાવેજો (સંરક્ષણ બાબતોના) પોતાની સાથે રાખવા ગોપનીયતાનો ભંગ કરવા તથા ન્યાયમાં વિધ્ન પહોંચાડવા માટે જૂઠા નિવેદન આપવા સહિતના આરોપ લાગ્યા છે. જેમાં ઉતર કોરિયાના શાસક કિમ જુંગ ઉનના પત્રો પોતાની સાથે રાખવા જેવા દસ્તાવેજો છે. ટ્રમ્પના ફલોરીડાના માર-એ-લાગો ખાતેના નિવાસસ્થાનેથી આ દસ્તાવેજો હાથ થયા હતા. ટ્રમ્પે તેને આરોપી તરીકે જાહેર કરવાના હોવાની ટીકા કરતા કહ્યું હતું કે કોઈએ કલ્પના નહી કરી હોય કે એક પુર્વ પ્રમુખને આ સ્થિતિનો સામનો કરવો પડશે. તેણે આ કેસને રાજકીય ધ્વંશભાવનો દર્શાવ્યો હતો.