ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. જે પછી સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે રાજકોટમાં પણ બીજા દિવસે વિરોધ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-રાજકોટના ડોક્ટરો પણ આ વિરોધમાં જોડાયા છે. રેલી કાઢી અને કલેક્ટરને આવેદન આપશે. રાજકોટના મેડિકલ કોલેજ ખાતે આજે બીજે દિવસે પણ ડોક્ટરની હડતાલ યથાવત રહી હતી. મોટી સંખ્યામાં ડોક્ટરોએ રેલી કાઢી હતી. આ રેલી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજથી શરૂ કરીને કલેક્ટર કચેરી પહોંચી હતી. આ પછી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં ડોક્ટરોએ પોતાની માંગ કરી છે કે, બંગાળના કોલકાતામાં જે મહિલા ડોકટર સાથે જે દુર્ઘટનાં બની હતી. તે મહિલાને ન્યાય મળે અને આવી બીજીવાર ઘટના ન બને તેના માટે સમગ્ર દેશમાં ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કડકમાં કડક કાયદો બનવો જોઈએ અને તેનું પાલન થાય .
- Advertisement -
એલોપેથી અને આયુર્વેદિક ડૉકટરો પણ હડતાળમાં જોડાયા
સિવિલ હોસ્પિટલના જુનીયર તબીબો બેમુદતી હળતાળ ઉપર છે અને ઈન્ડીયન મેડીકલ એસોસીએશને આજે વારે 24 કલાકની હડતાળ પાડવાનું એલાન આપ્યું હોય જેમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રના એલોપેથી તેમજ આયુષ તબીબો પણ હડતાળમાં જોડાયા હતા. રાજકોટના ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ દ્વારા પણ આજે બંધને સમર્થન આપ્યું હોય રાજકોટની આશરે 2000 જેટલી આયુર્વેદ તબીબોની ક્લીનીક્સ બંધ રહી હતી.
કોલકાતા દુષ્કર્મ – હત્યાની ઘટનામાં શોક ઠરાવ કરી શ્રદ્ધાંજલી આપતું રાજકોટ બાર એસોસિએશન
પૂરા ભારતદેશમાં હચમચાવી દેનાર રાજકોટના ટી.આર.પી. માનવસર્જિત અગ્નિકાંડમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા પીડિતો વતી કોઈ જ ચાર્જ કર્યા વગર માનવતાનું અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર રાજકોટ બાર એસો. ફરી એક વાર કલકત્તા મેડિકલ એસો. દ્વારા કરવામાં આવેલા ઠરાવને રાજકોટ બાર એસો. દ્વારા સમર્થન આપી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી સદ્ગત પીડિતાના આત્માને ઈશ્ર્વર શાંતિ અર્પે અને તેના પરિવાર ઉપર આવી પડેલ આફત સહન કરવાની શક્તિ આપે અને ભોગ બનનારના પરિવારને ખરા અર્થમાં ન્યાય મળી રહે તે માટે રાજકોટ બાર એસો. દ્વારા ઠરાવ કરી તેની કોપી ઈન્ડિયન મેડિકલ એસો.ને મોકલી આપી આજરોજ સવારે સદ્ગતના આત્માને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાજકોટ બાર એસો.ના બાર રૂમમાં રાખવામાં આવેલ હતો તથા સૌ વકીલ ભાઈઓ તથા બહેનોને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમ અન્વયે 11-00થી 12-00 એક કલાક માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.