છેલ્લાં 10 વર્ષમાં શ્ર્વાનની સાથે હવે લોકો વિવિધ પક્ષી અને વિદેશી બિલાડી પણ પાળે છે: વિવિધ પ્રજાતિની માછલીઓ પણ પોતાના ઘરે માછલીઘરમાં રાખે છે, પરિવારોમાં બાળકોને ગમતી ‘ટોપબ્રીડ’નું ચલણ આજકાલ બહુ વધ્યું છે
દેશી કબૂતર સાથે હવે પક્ષીપ્રેમીઓ વિદેશી પીજન પણ રાખે છે, ડોગ-કેટ-બર્ડ-ફિશ સાથે કબૂતરનાં બ્રિડરો પણ સારી પ્રજાતિનું સંવર્ધન કરે છે: સાડા ચાર ફૂટ લાંબો ઓસ્ટ્રેલિયન પાયથન પણ હવે લોકો રાખવા માંડ્યા છે
- Advertisement -
માનવી એકલતામાં કોઈકનો સંગાથ ઝંખે છે. આદિકાળથી પ્રકૃતિની ગોદમાં ઉછરતો માનવી વૃક્ષ, પાણી અને પંખીઓ વચ્ચે જ મોટો થયો છે. ત્યાં જ સંસ્કૃતિ ઉછરી છે. આંગણાના પશુ-પંખીઓ સાથે પર્યાવરણ ખૂબ જ સુંદર હતું. પ્રાણીઓની વફાદારી આજે પણ અકબંધ છે. બદલાતા યુગ સાથે નવા-નવા શોખને કારણે શ્ર્વાન, ગાય, ઘોડા, બકરી, ઘેટાં, બકરા, કબૂતર, કુકડા, સસલા, બતક પાળવા લાગ્યો. છેલ્લાં 10 વર્ષમાં તો માનવીના આ શોખનો ક્રેઝ વધવા લાગ્યો છે. આજે તો લોકો લાખો રૂપિયાના ડોગ અને પોપટ રાખવા લાગ્યા છે.
શું તમને ડોગ, કેટ, બર્ડ, ફિશ કે પિજન પાળવાનો શોખ છે? તો તમારે આટલી વસ્તુ ધ્યાને રાખવી પડશે. પ્રથમ તો ઘરમાં બધાને શોખ હોય તો જ પાળવું હિતાવહ છે. તમારા મકાનની સાઈઝ વાઈઝ નાની કે મોટી બ્રિડ પાળવી જોઈએ. ફલેટમાં હંમેશાં ટોય બ્રિડ રાખવી જરૂરી છે. મોટા ફળિયાવાળા કે ગાર્ડનવાળા બંગલામાં સેફ્ટી ડોગ રાખવા જરૂરી છે. દવાનો ખર્ચ કરી શકવાની ક્ષમતા સાથે સવાર-સાંજ વોક કરાવવા પણ ફરજિયાત લઈ જવો પડે છે. સામાન્ય સલાહ સુચન માને તેવી તાલિમ આપવી જોઈએ. સેફ્ટી માટે ડોગ રાખતા હો તો પૂર્ણ કક્ષાની તાલિમ આપવી જરૂરી છે. હંમેશાં પપીથી પાળવાનો આગ્રહ રાખવો અને સારા બ્રિડર પાસેથી સારી પ્રજાતિ લેવાનો આગ્રહ રાખજો.
ડોગને 12 રોગ સામેના રક્ષણની રસી આપવામાં આવે છે. જેમાં ત્રણ માસ સુધી દર 15 દિવસે, ત્રણથી 6 મહિનાને દર માસે અને 6 માસથી ઉપરના તમામને દર ત્રણ માસે ડીવોર્મિંગ (કૃમિનાશક) દવા આપવી જરૂરી છે. કેનાઈન ડિસ્ટેમ્પર, એડિનોવાયરસ, પારવો વાયરસ (બે સ્ટ્રેન્થ) લેપ્ટોસ્પાયરા (છ સ્ટ્રેન્થ) કોરોના અને હડકવા વિરોધી રસી જેવી વિવિધ રસી મૂકવામાં આવે છે. લિવર-કિડની વગેરે માટે વિવિધ બ્લડ રિપોર્ટ પણ કરાવવા પડે છે. નાના પપીની એક વર્ષ બહુ જ તકેદારી તેના માલિકે રાખવી પડે છે, જેમાં મલ્ટી વિટામીન, કેલ્શિયમ, પાચન શક્તિ વધારવાના ટીપાં, રોગપ્રતિકારક શક્તિના બુસ્ટર ડ્રોપ આપવા પડે છે. નવડાવવા માટે ડાય સ્પ્રે સાથે મોટા શ્ર્વાનમાં રૂટીંગ તકલીફની સારવાર કે દવા કરાવવી પડે છે. આપણા માણસની જેમ શ્ર્વાનમાં પણ તમામ તકલીફની દવામાં શરદી, તાવ વિગેરે આવી જાય છે. ડોગને લાગે કે અકસ્માત થાય કે કોઈ બીજો શ્ર્વાન બટકાં ભરી લે ત્યારે ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. પશુ-પંખીની સારવારમાં પણ અદ્યતન હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, ડાયાલિસીસ, કેન્સરમાં કિમોથેરાપી, રેડિએશન જેવી સારવાર દરેક શહેરોમાં ઉપલબ્ધ હોવાથી એનિમલલવરે જરૂર જણાયે સંપૂર્ણ ચેક-અપ કરાવવું જરૂરી છે.
કબૂતર શોખીનો મારવાડા, કચ્છા, હરા, બુકસા, મસીયા જેવા દેશી અને ફાઉન્ટન, વુમર, સીરાજી, અકડા, નકાબપોશ, ચીનીપર્પલ વિગેરે વિદેશી બ્રિડ પણ પાળે છે
- Advertisement -
જનરલી શ્ર્વાન પ્રેમી જર્મન શેફર્ડ, લેબ, હસ્કી, ગોલ્ડરીટ રીવર, ડોબરમેન, ગ્રેટડેન, અફઘાન હાઉન્ડ, સાલુકી, ડાલમેશ્યિન જેવી મોટી બ્રીડ પાળે છે. ટોય બ્રીડમાં સીટઝુ, લાસા, યગ, પોમેરિયન અને ટેરિયર પાળે છે. રાજકોટમાં છેલ્લાં ચાર દસકાથી ડોગ-શો દર વર્ષે યોજાય છે. આજે શહેરોમાં પાંચથી દસ હજાર જેટલા વિવિધ પ્રજાતિના શ્ર્વાનો જોવા મળે છે. ડોગને કેટલાક ઘરનો ખોરાક, દૂધ, દહીં, ભાત આપતા હોય છે, પણ હવે તેના સ્ટાર્ટર, પપીફૂડ, એડલ્ડ ફૂડ આવવા માંડ્યા છે, તેમાં વેજ અને નોનવેજ બંને ફૂડ બજારોમાં ઉપલબ્ધ હોય છે. ડોગ માટેની હોસ્ટેલ પણ છે. જો તમે બહારગામ જાવ તો ત્યાં ડોગ સાચવે છે. તેના ટ્રેનીંગ સેન્ટરો, બ્યુટીપાર્લરો પણ શહેરોમાં શરૂ થઈ ગયા છે.
ડોગના રમવાના રમકડાં બોલ, ચેઈન, ચેસ્ટબેલ્ટ, સ્વેટર, બૂટ-મોટા, ડાયપર, કેપ, ચશ્મા, બેડના ગાદલા, ડોગ હાઉસ, બો ટાઈ વિગેરે પણ આવે છે. ડોગને આખો દિવસ બાંધી ન રાખતા તેને સોશિયલ એટેચમેન્ટ આપવું જરૂરી છે. જેને કારણે તે એગ્રેસિવ ન થઈ જાય. આજના યુગમાં તો માઈક્રોચીપ પણ ડોગમાં બેસાડાય છે. જેમાં ડિગ્રી રજીસ્ટર થાય, ડોગને ટ્રેક કરી શકાય, ઓળખ માટે, બારકોડ બેલ્ટ (જેમાં સ્કેન કરવાથી માલિકની ઓળખ થાય) આવે છે. આ ચીપ ચામડીની નીચે ગળા પાસે મૂકવામાં આવે છે. શહેરમાં 10 મોટા બ્રિડરો પણ છે. ગુજરાતમાં બેંગલોર, પુના, ઉટી, પંજાબ, મધ્યપ્રદેશ વિગેરે રાજ્યોમાંથી ડોગના પપી આવે છે. આ પપી પ્લેન, ટ્રેન કે લોકલ ટ્રાન્સપોર્ટ કે સ્પેશ્યલ કારમાં આવે છે.
ડોગ લવરો હવે તેની અંતિમવિધિ માટે સ્મશાન ગૃહની માગણી સાથે મહાનગરપાલિકા દ્વારા તેના શ્ર્વાનનું રજીસ્ટ્રેશન થાય તેવું ઈચ્છી રહ્યા છે. ડોગની સાથે કેટ પણ પાળે છે. જેમાં ડોલ ફેસ, સ્પંચફેસ, પર્શિયન, રશિયન શોટ બંગોલિયન કેટ જેવી મોંઘીદાટ બિલાડી પાળે છે. તેના પણ ફુડ ને રમવાના રમકડા બજારમાં મળે છે. અવનવી માછલીઓ પણ સુંદર માછલી ઘરની ફેસિલીટીવાળા બજારમાં ઉપલબ્ધ હોય છે. ફિશ ફૂડ પણ વિવિધ મળી રહ્યા છે.
કબૂતર શોખીનો મારવાડા, કચ્છા, હરા, મસીયા જેવા દેશી અને ફાઉન્ટન, વુમર, સીરાજી, અકડા, નકાબપોશ, ચીનીપર્પલ વિગેરે વિદેશી બ્રિડ પણ પાળે છે. આ ઉપરાંત આફ્રિકન ગ્રે, મકાઉ, લોરી, બજરીગર, લવબર્ડ, કાઈટ જેવા પોપટ પણ પાળી રહ્યા છે. પક્ષીઓ મોટાભાગે હેન્ડ ટેમ પાળતા હોવાથી તે ઘરમાં છૂટા જોવા મળે છે ને માલિકના હાથમાં રમતાં હોવાથી સૌને મઝા પડી જાય છે. કલરફૂલ મકાઉ તો નવરંગી હોવાથી સૌને ગમે છે. સસલા અને ગીનીપીંગ પણ લોકો પાળે છે. આજકાલ યુવા વર્ગનો આ શોખ ખૂબ જ વધી ગયો છે. કોલેજીયન ગર્લ પણ શ્ર્વાનપ્રેમી હોય છે. કેટલાક યુવા ગ્રુપો તો રાત્રે કાર લઈને સ્ટ્રીટ ડોગને નિયમિત ભોજન કરાવવા નીકળે છે. ગુજરાતના તમામ શહેરોમાં એનિમલ લવરોની સંખ્યા બહુ જ મોટી છે. પક્ષીપ્રેમીઓ લાખો રૂપિયા ખર્ચીને પણ સારી બ્રિડના બર્ડ અને વિવિધ પેટ પાળી રહ્યા છે.
શોખીનો વિદેશી પાયથન પણ પાળે છે!
આજકાલ પશુ-પક્ષીઓ પાળવાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે શોખીન લોકો તો વિદેશી પાયથન (અજગર) પણ પાળે છે. એકઝોસ્ટીક (વિદેશી) ઈગ્વાના, ગ્લાઈડર અને સ્પાઈડરના શોખીનો પણ ગુજરાતમાં વધવા લાગ્યા છે. સારી પ્રજાતિના સસલા, ગીનીપીંગ (ઊંદર) પણ લોકો પાળી રહ્યા છે. વર્ષોથી પળાતા ડોગ સાથે કબૂતરો પણ રાખતા હતા. હવે નવા યુગમાં નવા શોખે પ્રોફેશનલ બ્રિડ સાથે ચેમ્પિયન બ્લડલાઈનની વિવિધ લાખેણી પ્રજાતિ લોકો રાખી રહ્યા છે.
અધધધ… શ્ર્વાનનો ભાવ 50 લાખ!
સામાન્ય શ્ર્વાનનો ભાવ 15000થી શરૂ કરીને ત્રણ લાખ સુધીનો હોય છે. બ્રીડવાઈઝ ભાવ અલગ-અલગ જોવા મળે છે. ઈમ્પોર્ટેડ બ્રીડ સૌથી મોંઘી હોય છે. નાના પપી લાવીને તેને તાલિમબદ્ધ કરવામાં આવે છે. અમુક શોખીનો પાસે તો સેફટી ડોગમાં ગ્રેટડેન, જર્મન શેફર્ડ જેવા શ્ર્વાનોની કિંમત 50 લાખ જેટલી હોય છે. સંપૂર્ણ તાલિમબદ્ધ કરવાના પણ 50 હજારથી વધુ ખર્ચ થતો હોય છે. બિલાડીના ભાવ પણ 5 હજારથી પાંચ લાખ જેટલા હોય છે. માછલી 10 રૂપિયાથી શરૂ કરીને 10 હજારની પણ આવે છે. જેમાં અદ્યતન ચીપ બેસાડેલીનો ભાવ 50 હજાર જેવો હોય છે. કબૂતર 100થી 10 હજારના મળે છે. વિદેશ પીજનનો ભાવ વધારે હોય છે. સસલાનો ભાવ 500થી 2000 રૂપિયા જેટલો હોય છે.
ઓનલાઈન મંગાવવામાં છેતરપિંડી વધુ થાય છે
શ્ર્વાન, કેટ, ફિશ, બર્ડ પીજન કે અન્ય પશુ-પંખી ઓનલાઈન મંગાવવામાં ફ્રોડના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે. તમને બતાવે કંઈક ને મોકલે કંઈક, પૈસા અગાઉ ખાતામાં નખાવી દીધા હોવાથી મુશ્કેલી થઈ જાય છે. ફોન પણ બંધ થઈ જતાં હોવાથી ઘણા લોકો આવો ભોગ બન્યા છે. સારા બ્રિડરો પાસેથી જ ખરીદી કરવી હિતાવહ છે. શહેરના પેટ શોપમાંથી ખરીદી કરો તો મુશ્કેલી ન પડે.
લેખક- અરૂણ દવે