પાર્ટીએ ગુજરાતમાંથી આપ્યો 2 કરોડ સભ્યનો લક્ષ્યાંક!
શાળા, હૉસ્પિટલ બાદ હવે સોસાયટીઓમાં નવરાત્રિના ફાળાના બદલે સભ્ય બનાવવાનું પ્લાનિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરોને તેમના કદ પ્રમાણે લાખો, હજારો કે સેંકડો સભ્યો નોંધવા માટે ટાર્ગેટ અપાયાં છે. ટાર્ગેટ પૂરો કરવા નેતાઓ અવનવા નુસખા અપનાવી રહ્યા છે તો, જનતા પણ તેનો લાભ લેવાની કોશિશ કરી રહી છે. અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત સહિત અનેક શહરોમાં સોસાયટી, ફ્લેટ અને ચાલીઓ ભાજપના નેતાઓને ઑફર આપી રહ્યા છે કે, અમારા ત્યાં સભ્યો બનાવવા હોય તો નવરાત્રીમાં ફાળો લખાવો અને સભ્યો બનાવવા. ગુજરાતમાંથી 2 કરોડ સભ્યો બનાવવા પ્રદેશ પ્રમુખે ટાર્ગેટ તો આપ્યો છે,પરંતુ નેતાઓને હાલ સભ્ય નોંધણીનું કામ કપરું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ-બાબુઓ, મજદૂરો, મહિલાઓ, હોસ્પિટલના દર્દીઓ, ખાનગી નોકરિયાતોથી માંડીને સામાન્ય નાગરિકો સુધી ભાજપના નેતાઓ પહોંચી સભ્ય બનાવવા ધમપછાડા શરૂ કર્યા છે.
શાળા-કોલેજ, હોસ્પિટલમાં પણ સભ્ય બનાવી દેવામાં આવ્યા
સુરેન્દ્રનગરમાં શાળાના બાળકોને સભ્ય બનાવવાનું શરૂ કરાતાં વિવાદ. રજિસ્ટ્રેશન કરવા વાલીઓના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરાયો.
વિસનગરની હોસ્પિટલમાં કૂતરું કરડતાં સારવાર માટે ગયો ત્યાં તેનો આધાર કાર્ડ, મોબાઇલ નંબર લઇને ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો.
શિક્ષક સંઘની ચૂંટણીમાં જીતાડવાનું પ્રલોભન આપી અધ્યાપકોને કામે લગાવ્યાં અને કેટલાંક ઉત્સાહીઓએ સગીર બાળકોને પણ સભ્ય બનાવ્યા.
- Advertisement -
ફાળો આપી સભ્ય બનાવવા નવી વાત નથી
નવરાત્રિ સમયે સોસાયટી ફાળાની માગણી કરે તે સ્વાભાવિક છે. જે તે સ્થાનિક નેતા અને જનતા વચ્ચેના સંબંધ હોય છે. ચૂંટણી આવે ત્યારે પણ પ્રજા પોતાની અપેક્ષાઓ રજૂ કરે છે. એટલે નવરાત્રિમાં ફાળો આપીને સભ્ય બનાવવા એ કોઈ નવી વાત નથી.
– યજ્ઞેશ દવે, સદસ્યતા અભિયાનના સભ્ય
સંખ્યાબળ બતાવવા માટે ભાજપની સામ, દામ, દંડ, ભેદની નીતિ
સામ… ‘સમજાવીને સભ્યો બનાવો’
આ પદ્ધતિથી ધાર્યા પરિણામ મળે તેને લઇ નેતાઓ જ આશંકિત છે. તાજેતરમાં પૂર જેવી આફતોને કારણે લોકો ભાજપના નેતાઓને વિસ્તારમાં પ્રવેશવા દેતાં નથી. આ સંજોગોમાં પ્રેમ-લાગણીથી લોકો પક્ષમાં જોડાય તે સરળ નથી.
દામ… ‘એક સભ્યના પાંચ રૂપિયા’
એક વિડીયોમાં ભાવનગરમાં પાર્ટીના નેતા યુવરાજસિંહ ગોહિલ ખુલ્લેઆમ કહે છે કે, 100 સભ્યો નોંધો અને 500 રૂપિયા લઇ જાવ. આ ઓફરનો ઠીક ઠીક પ્રતિસાદ મળ્યો છે.
દંડ… ‘આનાકાની કરે તો ડારો આપો’
લાંભાના રામભાઇ ભરવાડે અમદાવાદમાં પ્રભારી સંજય પટેલને ફરિયાદ કરી કે, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ ગુંડા મોકલીને પાડોશી મતવિસ્તારમાં મજદૂરોને નોકરીમાંથી કાઢી મૂકાવવાની ધમકી આપી કાર્યકર્તા બનાવી રહ્યા છે.
ભેદ… ‘ઘી કાઢવા આંગળી વાંકી કરો’
જે કાર્યકરો ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા નિષ્ક્રિય બન્યા છે, તેઓને પણ તેમના સિનિયરોએ ભાજપમાં નહીં રહો તો ક્યાંયના નહીં રહો તેવો ગર્ભિત ઇશારો કરી સદસ્ય નોંધણી માટે સક્રિય થવા જણાવી દેવાયું છે.