શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારનું નાક કપાયું
ભ્રષ્ટ અતુલ પંડિતનાં ઈશારે કિરીટ પરમારે જાણી જોઈને છઝઈંનાં જવાબ ન આપતાં પ્રથમ અપીલમાં સમિતિમાં ભ્રષ્ટાચાર થયાનું સ્પષ્ટ
- Advertisement -
10 દિવસમાં તમામ RTIની માહિતી પૂરી પાડવાનો શિક્ષણ સમિતિને હુકમ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથી દિપક સાગઠિયા દ્વારા યુનિફોર્મ, રમતગમતના સાધનોથી લઈ સ્કૂલ સ્ટેશનરીની ખરીદીમાં કરવામાં આવેલી ગોલમાલ, ગોટાળા, ગરબડ તેમજ સરકારી નાણાંના દુરુપયોગ સંદર્ભે કરવામાં આવેલી વિવિધ આરટીઆઈ મામલે થોડા દિવસો પહેલા આરટીઆઈ કરવામાં આવેલી હતી. આ આરટીઆઈના જવાબ નિયમ સમયમાં ન આપતા આરટીઆઈની પ્રથમ અપીલમાં રાજકોટ શિક્ષણ સમિતિનું નાક કપાયું છે. રાજકોટ શિક્ષણ સમિતિ પર મુખ્ય માહિતી અધિકારીએ કડક શબ્દોમાં ફટકાર આપી છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી કેટલીક આરટીઆઈની માહિતી ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા ન અપાતા રાજકોટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોને દસ દિવસમાં તમામ માહિતી પૂરી પાડવાનો લેખિતમાં હુકમ કર્યો છે. જોકે અરજદારે બીજી અપીલમાં જવાનું પણ નક્કી કરી લીધેલું હોય રાજકોટ શિક્ષણ સમિતિના સત્તાધીશોને ફટકાર ઉપરાંત દંડ થવાનું નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર જો શિક્ષણ સમિતિમાં વિવિધ મુદ્દાઓ પર થયેલી આરટીઆઈની માહિતી આપે તો તેમનો ગેરવહીવટ છતો થઈ શકે તેમ છે આથી જ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી કેટલીક આરટીઓની માહિતી આપવામાં પંડિત-પરમાર અસમર્થ સાબિત થઈ રહ્યા હતા જે અંગે અરજદારે માહિતી અધિકારીને અપીલ કરી હતી. આરટીઆઈની પ્રથમ અપીલમાં હાજર રહેલા શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારનું નાક કપાયું હતું અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે શિક્ષણ સમિતિને દસ દિવસમાં તમામ માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો.
- Advertisement -
RTIની બીજી અપીલ અને P.I.L. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે
એક અરજદાર દ્વારા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરાયેલી મોટાભાગની આરટીઆઈની માહિતી આપવામાં શિક્ષણ સમિતિના જવાબદાર અધિકારી-સત્તાધીશો નિષ્ફળ રહ્યાં થયા છે. પરિણામસ્વરૂપે હવે અરજદારે આરટીઆઈ સંદર્ભે કાનૂની રાહે પ્રથમ અપીલ બાદ બીજી અપીલમાં જવાની પ્રક્રિયા હાથ ધરી છે. ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર શબ્દો તથા આંકડાની રમત રમીને પોતે કરેલા પાપને છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ સત્ય એક દિવસ છાપરે ચડીને પોકારે છે એ મુજબ ટૂંકસમયમાં હાઇકોર્ટમાં થનારી જાહેરહિતની અરજી અને આરટીઆઈ સંદર્ભે થનારી બીજી અપીલમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને જ રહેશે.
રાજકોટ શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચાર રાજકોટની ચારેય બેઠકોના મત તોડશે
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ તથા તેમની ટિમ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા અથાક મહેનત કરી મતદારોને રીઝવવાની કોશિશ કરી રહી છે પરંતુ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપના જ ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર તેમજ ભાજપ કાર્યકર દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાએ કરેલા કૌભાંડો ચારેય બેઠક પર ભાજપના મત તોડશે. રાજકોટ શિક્ષણ સમિતિ સત્તાધીશોએ કરેલા ભ્રષ્ટાચારથી વાલીઓથી લઈ દરેક વ્યક્તિ ખૂબ જ ખફા છે. સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓની અભાવ છે. વિદ્યાર્થીઓ અને શાળા વિકાસની સરકારી ગ્રાન્ટ પંડિત, પરમાર, સદાદિયા અને સાગઠિયા ચાઉં કરી ગયા છે એ જગજાહેર હોવા છતાં આ ભ્રષ્ટાચારીઓ પર ભાજપ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આ વખતે મતદારો પણ લડી લેવાના મૂડમાં છે એવું ચર્ચાઈ રહ્યું છે.