ઘરે-ઘરે રંગોળી સાથે દિવાળી પર્વ ઉજવવાનો જબરો ઉત્સાહ: સર્વત્ર રોશનીના શણગાર-ઝગમગાટ
આવતીકાલે શુભ મુહૂર્તે વેપારીઓ કરશે ચોપડાં પૂજન, રાત્રે આકાશમાં છવાશે આતશબાજીનો નઝારો
- Advertisement -
સોમવારે ધોકો દિવસ: નુતન વર્ષના ઠેર ઠેર સ્નેહમિલનના કાર્યક્રમો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય પરંપરામાં દિપાવલી પર્વનું વિશેષ મહાત્મ્ય છે. પાંચ દિવસનું દિવાળી પર્વ અનેરા ઉમંગ, ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ધનતેરસથી શરૂ થતું દિવાળી પર્વ ભાઇબીજ સુધી ઉજવાય છે. ગઇકાલે ધનતેરસની ઉજવણી લોકોએ અદમ્ય ઉત્સાહ સાથે કરી હતી. ગઇકાલે લોકોએ લક્ષ્મીપૂજન કરેલ હતું. ભગવાન ધન્વંતરીનું પૂજન પણ ઠેર ઠેર કરાયું હતું. આજે કાળીચૌદશના કાલ ભૈરવ તથા ઘંટાકર્ણ વીરનું પૂજન-હવન વગેરે કરવામાં આવેલ પાલીતાણામાં ગુજરાતમાં એક માત્ર કાલ ભૈરવનું મંદિર છે. આજે સવારના ધ્વજારોહણ તથા હવન રાખવામાં આવેલ છે.
આજ મોડી રાત સુધી હવન ચાલુ રહેશે. જયારે ઘંટાકર્ણ વીરનું પૂજન-જિનાલયોમાં કરવામાં આવેલ જયારે મુહૂર્તમાં આવતીકાલે બપોરના સાડા બાર વાગે હવન શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે શ્રી ઘંટાકર્ણ વીરનું પૂજન વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. આવતીકાલે મહુડીમાં હજારો જૈન-જૈનેતરો ઉમટી પડશે અને પૂજન-હવનના દર્શનનો લાભ લેશે સુખડી ધરાશે.
આવતીકાલે દિવાળી પર્વ છે. વિક્રમ સંવત 2079 પૂર્ણ થશે. બેસતા વર્ષથી વિક્રમ સંવતનું 2080ની સાલ શરૂ થશે. આ વખતે ધોકો હોવાથી બેસતું વર્ષ મંગળવારે ઉજવાશે.
આવતીકાલે સ્વાતિયુકત નક્ષત્રમાં દિવાળી પર્વ ઉજવાશે કાલે બપોરના 2.44 સુધી ચૌદશ તિથિ છે. ત્યારબાદ અમાસ છે. તથા સ્વાતિ નક્ષત્ર રાત્રે 2.50 સુધી આખો દિવસ અને રાત્રી છે. આથી શુભ છે. કાલે વેપાીઓ ચોપડા પૂજન, શારદાપૂજન તથા લક્ષ્મીપૂજન કરશે. દિવાળીના દિવસે લક્ષ્મીજીનો પાર્દુભાવ થયો હતો. શ્રી રામચંદ્ર આ દિવસે અયોધ્યા પરત કર્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાને કાળી ચૌદશના નરકાસુરનો વધ કર્યો હતો. દિવાળીનું અલગ અલગ પ્રકારે મહત્વ રહેલું છે. આવતીકાલે દિવાળી પર્વ ઉજવવાનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારોમાં લોકો ખરીદી કરવા નીકળતા વેપારીઓના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે.
કાલે વેપારીઓ ચોપડા પૂજન શુભ મુહૂર્તમાં કરશે. આજે કોમ્પ્યુટરના યુગમાં પણ ચોપડા પૂજન સાથે કરશે. કાલે આકાશમાં આતશબાજીનાં અદભુત નઝારો જોવા મળશે. આમ તો ધનતેરસથી જ ફટાકડાના ધુમધડાકા સાંભળવા મળી રહ્યા છે. પરંતુ આવતીકાલે મોડી રાત સુધી આતશબાજી તથા ફટાકડાના અવાજો સાંભળવા મળશે. દિવાળીના દિવસે જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હોવાથી જૈનો ધર્મ આરાધના કરશે તથા કાલે પરોઢિયે વીર પ્રભુના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીને કેળવજ્ઞાન થતાં તે પ્રસંગની ઉજવણી કરાશે. બેસતા વર્ષના જિનાલયોના દ્વારોદઘાટન, સવા લાખ બુંદીનો લાડુ ધરાશે. આવતીકાલે દિવાળી પર્વ લોકો મન ભરીને ઉજવશે. ઠેર ઠેર દીવડા, રંગોળી રચાશે દિવાળીનું પર્વ પ્રકાશનું પર્વ છે. આ વર્ષે એક દિવસ પછી નૂતન વર્ષ બેસતું હોવાથી તા. 14મીના મંગળવારે ઉજવાશે. સોમવારે પડતર દિવસ છે. નૂતન વર્ષના ઠેર ઠેર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાશે.