સિરામિકમાં મંદી છતાં વેપારીઓ હરખાયા: નહેરુ ગેટ અને પરાબજારમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
દિવાળીના પર્વની શૃંખલાનો પ્રારંભ થતા જ મોરબીની બજારોમાં આજે અગિયારસથી રોનક ખીલી ઉઠી છે. અત્યાર સુધી શુષ્ક દેખાતી બજારોમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકોએ ખરીદી માટે ધસારો કરતાં વેપારીઓમાં સારો ઘરાકી થવાની આશા જન્મી છે. બજારોમાં કપડાં, બુટ-ચપ્પલ, સોના-ચાંદીની જ્વેલરી, ઘરની સજાવટના તોરણ અને ભરત-ગૂંથણની વસ્તુઓ, ફટાકડા, કલાત્મક રંગોળીના રંગો, મીઠાઈ, ફરસાણ અને મુખવાસ સહિતની ચીજોની ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને મોબાઈલ શોરૂમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો (એલઇડી, ફ્રીજ, વોશિંગ મશીન, ફેન)ના માર્કેટમાં પણ ગરમી આવી હતી. મુખ્ય બજારોમાં ભીડ: નહેરુ ગેટ, પરાબજાર, શાક માર્કેટ, મ્યુનિસિપલ કચેરી સામેની બજાર, શનાળા રોડ, રવાપર રોડ, સોની બજાર અને જૂના બસ સ્ટેન્ડ જેવા મુખ્ય માર્ગો પરની બજારો પાથરણાવાળાઓ અને ગ્રાહકોની અવરજવરથી ધમધમી ઉઠી હતી. ખાસ કરીને નહેરુ ગેટ ચોક વિવિધ ફૂલહાર અને માળાઓના થડાઓથી ઉભરાઈ જવાથી ટ્રાફિક જામની સમસ્યા વધવા લાગી છે. સિરામિક ઉદ્યોગમાં મંદી હોવા છતાં લોકો બજાર તરફ વળતાં વેપારીઓના ચહેરા પર રાહત અને આનંદ જોવા મળ્યો હતો.